Rajkotમાં નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ આપવા પર મનાઈ, ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163(2) ની જોગવાઈઓ હેઠળ આદેશ જારી કરી ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’નો નિયમ અમલી બનાવાયો છે. મોટાભાગના ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ માટે નંબર પ્લેટ વગરના કે ક્ષતિગ્રસ્ત નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કરતા હોય છે, જેને ડામવા માટે વાહનની બંને બાજુ HSRP ન હોય તેવા વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ ન આપવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

જાહેરનામાના પહેલા જ દિવસે મિશ્ર પ્રતિસાદ

પોલીસ કમિશનરના આ આદેશ બાદ શહેરના પેટ્રોલ પંપો પર આ જાહેરનામાનો મિશ્ર અમલ જોવા મળ્યો હતો. તંત્રના આકરા વલણ છતાં પહેલા દિવસે કેટલાક પેટ્રોલ પંપો પર તૂટેલી નંબર પ્લેટ અથવા નંબર પ્લેટ વિનાના વાહનોમાં સરળતાથી પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સખત સૂચનાઓ હોવા છતાં કેવા વાહનોને ઈંધણ આપવું અને કેવાને નહીં તેને લઈને કેટલાક પંપ સંચાલકોમાં અસમંજસ પણ જોવા મળી હતી. જેને કારણે નિયમના કડક પાલન સામે શરૂઆતમાં જ અમલીકરણના સવાલો ઊભા થયા છે.

વાહનચાલકો દ્વારા નિર્ણયને આવકાર 

બીજી તરફ સામાન્ય વાહનચાલકો અને બુદ્ધિજીવી નાગરિકોએ પોલીસ તંત્રના આ નિર્ણયને સહર્ષ આવકાર્યો છે. સ્થાનિક વાહનચાલકોનું માનવું છે કે સુરક્ષા અને ગુનાખોરી નિયંત્રણ માટે વાહનો પર નિયમાનુસારની HSRP નંબર પ્લેટ હોવી ખૂબ જ જરૂરી છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલક તેમજ નિયમ નેવે મુકનાર પેટ્રોલ પંપ સંચાલક બંને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *