સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં બનેલી સનસનાટીભરી હત્યાની ઘટનામાં ચોક બજાર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અંગત બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને તકરાર બાદ આ ખૂની ખેલ ખેલાયો હતો. મૃતક કલ્પેશ પારઘી પર તેના જ મિત્ર ડેનિશ ઉર્ફે ડેનિયન અને તેના અન્ય બે સાથીદારોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. શરીરે ત્રણ જેટલા ગંભીર ઘા ઝીંકી દેતાં કલ્પેશનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસે ગણતરીના ત્રણેય હત્યારાઓને દબોચ્યા
હત્યાની ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ મૃતકના મિત્ર ડેનિશ ઉર્ફે ડેનિયન સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ અને હત્યારો ડેનિશ બંને ભૂતકાળમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને બંને વચ્ચે નજીવી બાબતે અચાનક બોલાચાલી ઉગ્ર બનતાં આ હત્યાકાંડ સર્જાયો હતો.
આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ
પોલીસ તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે મૃતક અને પકડાયેલા આરોપીઓ બંને પક્ષે અગાઉ પણ પોલીસ ચોપડે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં ચોક બજાર પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ઘટનામાં વપરાયેલા હથિયારો કબજે કરવા તથા આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
