ફિલિપાઇન્સના ઝામ્બોઆંગા શહેરમાં મંગળવારે એક સ્કૂલમાં ફાયરિંગ થયું છે. એક વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલના બીજા વિદ્યાર્થીને ગોળી મારી દીધી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. ફાયરિંગમાં બે સુરક્ષા ગાર્ડના પણ મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. આ ઘટના એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટીના સ્કૂલ કેમ્પસમાં બની હતી. પોલીસે જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીએ હુમલાનો અમુક ભાગ ફેસબુક પર લાઇવ પણ બતાવ્યો હતો. ઘટના બાદ સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પહેલા શિક્ષક પર ગોળી ચલાવી, પછી વિદ્યાર્થીને નિશાન બનાવ્યો પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ધોરણ 9નો વિદ્યાર્થી મોહમ્મદ મેલ જલાની હતો. તે બે પિસ્તોલ લઈને સ્કૂલે પહોંચ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે પહેલા એક શિક્ષક પર ગોળી ચલાવી હતી, પરંતુ ગોળી તેમને વાગી ન હતી. ત્યારબાદ તેણે ધોરણ 10ના એક વિદ્યાર્થીને ગોળી મારી દીધી. જેમાં તેનું મોત થયું. પછી તે સ્કૂલના ઉપરના માળે ગયો અને ત્યાંથી કૂદીને પોતાનો જીવ આપી દીધો. ફિલિપાઈન્સના ગૃહ બાબતોના મંત્રી જોનવિક રેમુલાએ જણાવ્યું કે આરોપી સીડીઓ ચડતી વખતે ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. ઘટના બાદ સ્કૂલે સિનિયર હાઈસ્કૂલના વર્ગો થોડા સમય માટે બંધ કરી દીધા છે. સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું કે નાના બાળકોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. બધા બાળકોની ગણતરી કરી લેવામાં આવી છે અને તેઓ તેમના શિક્ષકોની દેખરેખ હેઠળ છે. પોલીસે માતા-પિતાને ગભરાવાને બદલે સ્કૂલ દ્વારા આપવામાં આવતી માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. પ્રભાવિત લોકોને મળશે માનસિક મદદ ફિલિપાઈન્સના શિક્ષણ વિભાગે કહ્યું છે કે ઘટનાથી પ્રભાવિત વિદ્યાર્થીઓ, પરિવારો અને સ્કૂલના કર્મચારીઓને જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. આ માટે કાઉન્સેલિંગ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી લોકો આ આઘાતમાંથી બહાર આવી શકે. વિભાગે લોકોને એ પણ કહ્યું છે કે પુષ્ટિ વગરના સમાચાર, ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરે. બે મહિનામાં ફાયરિંગની બીજી મોટી ઘટના ફિલિપાઇન્સમાં લગભગ બે મહિનાની અંદર સ્કૂલમાં ફાયરિંગની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા જૂનમાં તાકલોબાન શહેરની એક સ્કૂલમાં થયેલા ફાયરિંગમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલની ઘટના પછી સ્કૂલોની સુરક્ષા અને વિદ્યાર્થીઓ સુધી હથિયારો પહોંચવા અંગે ફરીથી સવાલો ઉઠવા લાગ્યા છે.
ફિલિપાઇન્સની સ્કૂલમાં ધો.9ના વિદ્યાર્થીએ કર્યું ફાયરિંગ:એક વિદ્યાર્થીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી, 9 ઘાયલ, વીડિયો ફેસબુક પર લાઇવ કર્યો; 2 ગાર્ડના પણ મોત
📅 Published: August 18, 2026 |
📂 Category: International
