જીજાજીને વીડિયો કોલ કરી આત્મહત્યા કરનાર યુવકનો મૃતદેહ મળ્યો:ત્રણ દિવસની શોધખોળ બાદ ફાયર વિભાગે મહીસાગર નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો, પારિવારિક કંકાસમાં પગલું ભર્યાંની આશંકા

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના પદમલાના રબારીવાસમાં રહેતા 25 વર્ષીય ધર્મેશ જાદવે જૂના ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. નદીમાં ઝંપલાવતા પહેલાં તેણે પોતાના જીજાજી ચિરાગ સોલંકીને વોટ્સએપના માધ્યમથી ફોન કરીને “હું ફાજલપુર બ્રિજ પર છું, 10 મિનિટમાં આવી જાઓ નહીં તો નદીમાં કૂદી પડીશ, જમવા બેસતા નહીં” તેવી અંતિમ વાત કરી હતી. આ સાંભળીને ચિરાગભાઈ અન્ય સંબંધી સાથે તાબડતોબ બ્રિજ તરફ નીકળ્યા હતા અને ધર્મેશના મિત્રો પણ સ્થળ પર દોડી ગયા હતા. જો કે, તેઓ પહોંચે તે પહેલાં મોડું થઈ ચૂક્યું હતું. બ્રિજ પર માત્ર ધર્મેશની બાઈક પડી હતી અને તેણે નદીમાં ઝંપલાવી દીધું હતું. આખરે ત્રણ દિવસે ફાયર વિભાગે મૃતદેહ શોધી પોલીસને સોંપ્યો હતો. 4 વર્ષ પહેલા યુવકના છૂટાછેડા થયા હતા
પરિવારના જણાવ્યા અનુસાર, ધર્મેશ GSFCમાં કોન્ટ્રાક્ટ પર વેલ્ડિંગનું કામ કરતો હતો. ચાર વર્ષ અગાઉ તેના છૂટાછેડા થયા હતા અને ત્રણ મહિના પહેલાં એક અકસ્માતમાં ખભાના ભાગે પાંચ ફ્રેક્ચર થતાં તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ દશામાના આગમન પહેલા ઘરમાં સામાન્ય પારિવારિક કકળાટથી મનમાં લાગી આવતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. 3 દિવસની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો
ઘટનાની જાણ થતાં જ TP-13 ફાયર સ્ટેશનની ટીમે બોટ અને બ્રીધિંગ એપેરેટસથી સજ્જ મરજીવાઓ સાથે મહીસાગર નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સતત ત્રણ દિવસ સુધી શોધખોળ બાદ આજે વહેલી સવારે ધર્મેશનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે રેસ્કયુ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પંચનામા સહિતની આગળની તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. ફાજલપુર બ્રિજની જમણી બાજુ 75 ટકા જાળીનું કામ બાકી
આ ઘટનાએ ફાજલપુર બ્રિજ પર સુરક્ષાના અભાવની ગંભીર બેદરકારી ફરી છતી કરી છે. નવા બ્રિજ પર આપઘાતના બનાવો રોકવા 6 ફૂટની પ્રોટેક્શન જાળી લગાવવામાં આવી છે, પરંતુ જૂના ફાજલપુર બ્રિજની જમણી બાજુ 75 ટકા જાળીનું કામ હજુ પણ અધૂરું છે. આ ખુલ્લા વિસ્તારમાંથી જ ધર્મેશે નદીમાં ઝંપલાવ્યું હતું. આ બ્રિજ પરથી સરેરાશ દર મહિને બે વ્યક્તિ આત્મહત્યા કરતી હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષા જાળીનું કામ પૂર્ણ કરવામાં ન આવતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *