યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા માટે 25 ટ્રેકરો તૈનાત:​ગિરનાર અને દાતારની સીડીઓ પર સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેકર ટીમ દ્વારા મોનિટરિંગ શરૂ,માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા વન વિભાગ સતર્ક ,25 ટ્રેકરોને અપાય ખાસ તાલીમ.

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

​ગિરનાર પર્વત પર માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષની ઘટનાઓને ગંભીરતાથી લઈને વન વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે. 11 જુલાઈના રોજ ગિરનાર પર બાળક પર સિંહે કરેલા હુમલાની કરુણ ઘટના બાદ વન મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા ટ્રેકરોની ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલીકરણ રૂપે વિશેષ પસંદગી પ્રક્રિયા હાથ ધરીને 25 ટ્રેકરોની નિમણૂક કરવામાં આવી છે. આ નવનિયુક્ત ટ્રેકરો ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતારની સીડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરી સિંહ તથા દીપડા સહિતના વન્ય પ્રાણીઓની હિલચાલ પર નજર રાખશે, જેથી યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ​ટ્રેકરોની પસંદગી માટે પ્રથમ જાહેરાત આપીને યોગ્ય ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ 25 ટ્રેકરોને શાસણ ડિવિઝન ખાતે એક અઠવાડિયાની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન તેઓને જંગલના ફીલ્ડ વિસ્તારમાં લઈ જઈને ઓરિએન્ટેશન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાસણની વન્યજીવ હોસ્પિટલ ખાતે લઈ જઈને ઈજાગ્રસ્ત કે બિનવારસી વન્યપ્રાણીઓની સારસંભાળ કેવી રીતે રાખવી, તેમને રેસ્ક્યૂ કરવા માટેના કાયદાકીય અને તકનીકી પ્રોટોકોલ કયા છે તે તમામ બાબતોનું વ્યવહારુ શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના RFO, ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર અને વન વિભાગના અનુભવી સ્ટાફ દ્વારા આ ટીમને સ્થળ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ​ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગિરનારની નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી પર સિંહ અને દીપડા જેવા હિંસક વન્યજીવોની સતત અવરજવર રહે છે. તેથી માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારવા તેમજ પ્રવાસીઓ અને વન્યજીવો બંનેની સલામતી જાળવવા માટે આ 25 ટ્રેકર્સની નિમણૂક કરાઈ છે. શાસણ ખાતેથી તાલીમ પૂર્ણ કરીને આવેલા આ ટ્રેકર્સને સાંજેથી જ ગિરનાર અને દાતારની સીડીઓ પર ફરજ પર મૂકી દેવાયા છે. તેઓ પર્વત પરના કઠિન અને સંવેદનશીલ વિસ્તારોમાં જઈને વન્યપ્રાણીઓની મુવમેન્ટનો ઓન-જોબ અનુભવ મેળવશે, જ્યારે જૂનાગઢ વન વિભાગનો અનુભવી સ્ટાફ તેમને આખી પ્રક્રિયામાં મદદરૂપ થશે. ​ડીસીએફ અક્ષય જોશીએ ગિરનાર અને દાતારની યાત્રાએ આવતા તમામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પણ ખાસ અપીલ કરી છે. કે સીડી પરથી પસાર થતી વખતે જો કોઈ વન્યપ્રાણી નજરે પડે તો તાત્કાલિક વન વિભાગ અથવા સ્થળ પર તૈનાત ટ્રેકર ટીમને જાણ કરવી. પ્રવાસીઓએ ક્યારેય વન્યજીવોની નજીક જવાનો કે તેમને છંછેડવાનો પ્રયાસ કરવો નહીં અને પોતાનો ચાલવાનો માર્ગ માત્ર સીડી પૂરતો જ મર્યાદિત રાખવો. સીડીની આજુબાજુના ગીચ વન વિસ્તારમાં જવાનું સાહસ ન કરવું, કારણ કે તે વન્યપ્રાણીઓનો કુદરતી વસવાટ છે. વન વિભાગની આ વ્યવસ્થાથી ગિરનાર પર્વત પર સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *