પ્રકૃતિના ખોળે વસેલું મનમોહક ડોન ગામ:સહ્યાદ્રિની હરિયાળી અને ઝરણાંનો અદભુત નજારો; સાપુતારા બાદ ડાંગનું બીજું ઊંચું પ્રવાસન

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલું અને સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલું ડોન ગામ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સાપુતારા બાદ ગુજરાતના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં આગવું સ્થાન ધરાવતું આ મનમોહક પ્રવાસન સ્થળ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસામાં અહીં ચારેકોર પથરાયેલી હરિયાળી, વાદળો, ધુમ્મસ અને પહાડો પરથી વહેતા ઝરણાંનો નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. પર્વતીય દૃશ્યો, સૂર્યોદય અને સૂર્યાસ્તનું મુખ્ય આકર્ષણ સમુદ્ર સપાટીથી આશરે 1,000 મીટરની ઊંચાઈએ આવેલા ડોન હિલ પરથી આસપાસના ગાઢ જંગલો, ઊંડી ખીણો તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોના મનમોહક દૃશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીંથી દેખાતો સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. લુપ્તપ્રાય ગીધ સંવર્ધન કેન્દ્ર અને ગીધરાજ પ્રતિમા ડોનની તળેટીમાં વન વિભાગ દ્વારા લુપ્તપ્રાય એવી સફેદ ડોક ધરાવતા ગીધની પ્રજાતિના સંવર્ધન માટે વિશેષ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વન્યજીવ અને પક્ષી સંરક્ષણનો સંદેશ આપવા માટે ડોન હિલ પર ગીધરાજની એક વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરાઈ છે. વલ્ચર પોઈન્ટ સિવાય અહીંના જંગલોમાં વિવિધ પક્ષીઓ અને અન્ય વન્યજીવોનો વસવાટ જોવા મળે છે. દંડકારણ્ય, દ્રોણાચાર્ય ડુંગર અને આદિવાસી સંસ્કૃતિ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ડોન ગામનું અનેરું મહત્વ છે. આ વિસ્તાર પ્રાચીન દંડકારણ્ય સાથે જોડાયેલી લોકમાન્યતાઓ ધરાવે છે, તેમજ નજીકમાં આવેલા દ્રોણાચાર્ય ડુંગર સાથે મહાભારતકાળની કથાઓ પ્રચલિત છે. અહીંની આદિવાસી સંસ્કૃતિ, વાઘદેવ અને ડુંગરદેવની પ્રકૃતિપૂજા તથા પાવરી અને કહાડિયા જેવા પરંપરાગત લોકનૃત્યો ડાંગ પંથકની આગવી ઓળખ પ્રસ્તુત કરે છે. ધોધ, ટ્રેકિંગ રૂટ્સ અને પ્રાકૃતિક સ્થળો ડોન અને તેની આસપાસ ચિંચલી, ગારખડીના ડુંગરો, સીતાવન-વાડયાવન, પાંડવ ગુફા, અંજની કુંડ અને બિલમાળ જેવા અનેક પ્રાકૃતિક પ્રવાસન સ્થળો આવેલા છે. ચોમાસા દરમિયાન અહીંના કુદરતી જળાશયો, નાના-મોટા ધોધ અને ટ્રેકિંગ રૂટ્સ પ્રવાસીઓને ખાસ ખેંચી લાવે છે. તળેટીમાં આવેલા આંબાના વૃક્ષો અને કુદરતી કેરી પણ સ્થાનિક ગ્રામજનો માટે રોજીરોટી અને આવકનું સાધન બને છે. અદભુત સંગમ અને સુગમ વાહન વ્યવહાર ભૌગોલિક અંતરની દ્રષ્ટિએ ડોન ગામ આહવાથી આશરે 33 કિલોમીટર અને સાપુતારાથી લગભગ 55 કિલોમીટરના અંતરે આવેલું છે. રસ્તાઓની ઉત્તમ સુવિધાઓને કારણે હવે અહીં પહોંચવું અત્યંત સરળ બન્યું છે. ઇકો ટુરિઝમ ક્ષેત્રે ઝડપથી વિકસતું ડોન આજે પ્રકૃતિ, સંસ્કૃતિ અને જૈવ વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ બની પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *