ચિત્રા-સિદસર રોડ પર અકસ્માત બાદ હોબાળો:ચિત્રા-સિદસર રોડ પર પૂરપાટ સ્કોર્પિયો ચાલકે કારને ટક્કર મારી, મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રતીકભાઈ ચાપરા ગઇકાલે રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યાના સુમારે પોતાની ટોયોટા હાઈરાઈડર કાર લઈને પરિવાર સાથે જઈ રહ્યા હતા. તેમની કારમાં તેમના પિતા નરેશભાઈ, માતા કલ્પનાબેન અને નાના ભાઈ ભાવિકભાઈ સવાર હતા, તેઓ મારુતિનંદન સોસાયટી, ચિત્રા-સિદસર રોડથી રાજકોટ હાઈવે મેઈન રોડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન મસ્તરામબાપાના મંદિર પાસે પહોંચતા, રાજકોટ હાઈવે આર.ટી.ઓ. સર્કલ તરફથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર (નંબર: GJ 04 EP 9302) ના ચાલકે તેમની કાર સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રતીકભાઈની કારના ડ્રાઈવર સાઈડના બોનેટના ભાગને નુકસાન પહોંચ્યું હતું.

અકસ્માત સર્જાતા પ્રતીકભાઈ અને તેમના પરિવારજનો કારમાંથી નીચે ઉતર્યા હતા. તે જ સમયે સામેવાળી સ્કોર્પિયો કારમાંથી ચાર ઇસમો બહાર આવ્યા હતા અને ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. આરોપીઓએ ગાળાગાળી કરી પ્રતીકભાઈ સાથે ધોલધપાટ કરી હતી તથા તેમના પિતા અને ભાઈને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન આરોપીઓ પૈકી એક શખ્સે પોતાનું નામ મહેન્દ્ર ઉર્ફે ટકી જેન્તીભાઈ રાઠોડ હોવાનું જણાવીને ધમકી આપી હતી કે, “જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું.” આ અથાક માથાકૂટ અને ઝપાઝપી દરમિયાન પ્રતીકભાઈની સોનાની વીંટી અને પાકીટ પણ ક્યાંક પડી ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને ભોગ બનનાર દ્વારા તુરંત જ પોલીસને જાણ કરી હતી, જેને પગલે ચારેય આરોપીઓ પોતાની સ્કોર્પિયો કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા, આ બનાવ અંગે પ્રતીકભાઈ ચાપરાએ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ઉપસ્થિત રહીને પૂરપાટ ઝડપે અને માનવજીવન જોખમાય તે રીતે વાહન ચલાવી અકસ્માત સર્જનાર, મારમારી કરનાર તથા જાનથી મારી નાખવાની ધમકી આપનાર સ્કોર્પિયો ચાલક મહેન્દ્ર ઉર્ફે ટકી જેન્તીભાઈ રાઠોડ અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *