ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વિશાલ સાલવી અને શિલ્પાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. લગ્ન સમયે વિશાલ હીરાના કારખાનામાં કામ કરતો હતો. લગ્નના થોડા સમય પછી હીરા ઉદ્યોગમાં મંદી આવતાં વિશાલ બેરોજગાર થઇ ગયો હતો. જેથી તેની પત્ની શિલ્પાએ ડાયટીશિયનનો કોર્સ કરી ઘરની જવાબદારી ઉઠાવી લીધી હતી. તે રોજ સવારે ક્લિનિક પર જતી હતી. વિશાલને શિલ્પાના ચરિત્ર પર શંકા હતી. જેથી તેણે શિલ્પાની હત્યાનો પ્લાન બનાવી લીધો હતો. 20મી એપ્રિલે વિશાલ શિલ્પાને સલાબતપુરાની કાગજી ચાલમાં આવેલા પોતાના જૂના મકાન પર લઇ ગયો હતો. જ્યાં તેણે ગળું દબાવી શિલ્પાની હત્યા કરી નાખી હતી. જેના પછી લાશને લાકડાંની પેટીમાં ભરીને સિમેન્ટથી ચણી દીધી હતી. પોલીસે લાકડાની પેટી તોડી લાશને બહાર કાઢતા આખો મામલો સામે આવ્યો હતો પણ સૌથી મોટો સવાલ એ હતો કે 25મી એપ્રિલની રાતે એવું તો શું થયું હતું કે પોલીસને આ હત્યા અંગે જાણ થઇ ગઇ. હવે આગળ વાંચો…. વિશાલે પોતાના 13 વર્ષના પુત્રના વોટ્સએપ પર એક ફોટો મોકલ્યો. જે ફોટો હાથેથી લખાયેલી એક ચિઠ્ઠીનો હતો. આ ચિઠ્ઠી બીજા કોઇએ નહીં પણ વિશાલે પોતે જ લખી હતી. એ ચિઠ્ઠીમાં પ્રેમ નહીં પણ એક ભયાનક પાપની કબૂલાત હતી. જેને વાંચતા જ તેના પુત્રની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડીવાર તો તે વિશ્વાસ જ ન કરી શક્યો કે તેના પિતાએ આવું કંઇ કર્યું પણ હોઇ શકે. તેણે તરત જ નાના પ્રદીપભાઇ અને બીજા સંબંધીઓને જાણ કરી. એ ફોટોમાં જે ચિઠ્ઠી હતી. તેમાં વિશાલે લખ્યું હતું કે…. પુત્રને આ મેસેજ મોકલીને વિશાલ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ગાયબ થઇ ગયો હતો. શિલ્પાના પિતા પ્રદીપભાઇ આ ફોટો લઇને તાત્કાલીક ગોડાદરા પોલીસ સ્ટેશન ગયા અને જાણ કરી. પોલીસે સમય બગાડ્યા વિના 4 ગાડીઓનો કાફલો રવાના કર્યો અને કાગજીની ચાલના એ બંધ મકાન પર પહોંચીને તાળું તોડ્યું. મકાન ઘણા સમયથી બંધ હતું એટલે સ્વભાવિક છે કે ત્યાં લાઇટની વ્યવસ્થા નહોતી. પોલીસ જેવી અંદર દાખલ થઇ કે ટોર્ચનો પ્રકાશ પડતાં જ સામે સિમેન્ટથી પ્લાસ્ટર કરેલી લાકડાની પેટી દેખાઇ. પોલીસે જ્યારે સિમેન્ટનું પડ તોડીને પેટી ખોલી તો અંદરથી શિલ્પાની 5 દિવસ જૂની અને અત્યંત કોહવાયેલી હાલતમાં લાશ મળી. લાશ પર સિમેન્ટ પણ નાખેલી હતી. પોલીસે FSLની ટીમને સ્થળ પર બોલાવી લીધી. શિલ્પાના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો. જે પતિ 5 દિવસ સુધી પોતાના સસરા સાથે મળીને પત્નીને શોધવાનું નાટક કરતો હતો એ જ હત્યારો નીકળશે તેવી તો કોઇએ કલ્પના પણ નહોતી કરી. આમ આ હત્યાનો ભેદ તો ઉકેલાઇ ગયો હતો પણ આરોપી વિશાલ સાલવી ફરાર થઇ ગયો હતો. હવે પોલીસ સામે સૌથી મોટો પડકાર હતો કે ફરાર વિશાલ સાલવીને ગમે તે ભોગે પકડવો. એ જ રાત્રે DCP કાનન દેસાઇએ તમામ ટીમને એલર્ટ કરી દીધી અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી. DCPએ કહ્યું, આ કોઇ સામાન્ય હત્યા નથી. આરોપીએ અત્યંત શાતિર મગજ વાપરીને દ્રશ્યમ ફિલ્મ જેવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. લાશ પર સિમેન્ટ ચઢાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. વિશાલનો ફોન અત્યારે સ્વીચ ઓફ આવે છે પણ એ સુરત બહાર ભાગી ન જાય તે આપણે જોવાનું છે. આપણી સર્વેલન્સ ટીમ તેના CDR અને લાસ્ટ લોકેશન ટ્રેસ કરે. પોલીસે તરત જ વિશાલે તેના પુત્રને મોકલેલા વોટ્સએપ મેસેજનું આઇપી એડ્રેસ અને સીમ કાર્ડનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું. બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને સુરત બહાર નીકળવાના તમામ હાઇવે પર નાકાબંધી કરી દેવામાં આવી. પોલીસ ચારેતરફ વિશાલને શોધતી હતી. આમને આમ થોડા કલાકો નીકળી ગયા પણ 26 એપ્રિલની વહેલી સવારે પોલીસના સર્વેલન્સ સેલને એક મહત્ત્વની લીડ મળી. વિશાલનો ફોન એક સેકન્ડ માટે ચાલુ થઇને ફરી બંધ થયો હતો. બસ આ એક સેકન્ડ પોલીસ માટે વિશાલ સુધી પહોંચવાની કડી બની ગઇ. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યુું તો તે કડોદરા હાઇવે નજીક બતાવતું હતું. સુરત શહેરમાંથી બહાર જવા માટે કડોદરા હાઇવે પરથી વાહનો સરળતાથી મળી રહેતા હતા. જેથી એટલું તો નક્કી હતું કે વિશાલ શહેર છોડીને ભાગવા માટે જ ત્યાં પહોંચ્યો છે. વિશાલનું લોકેશન મળી ગયા બાદ PIએ એક કોન્સ્ટેબલને બોલાવ્યો અને આદેશ આપ્યો કે ટીમ તૈયાર કરો. વિશાલ હાઇવે પરથી સુરત છોડીને ભાગવાની ફિરાકમાં છે. જેથી થોડીવારમાં સાદા વેશમાં પોલીસની 3 અલગ અલગ ટીમ તૈયાર થઇ ગઇ અને કડોદરા હાઇવે પર પહોંચી ગઇ. અહીં ચાર રસ્તા અને તેની આસપાસની હોટલોમાં તપાસ શરૂ કરી. વિશાલ એક નાની હોટલના ખૂણામાં ચહેરો છૂપાવીને બેઠો હતો અને સુરત છોડવા માટે બસની રાહ જોઇ રહ્યો હતો.પોલીસે તેને ઘેરી લીધો. પોલીસ: વિશાલ સાલવી?
આ પ્રશ્ન પૂછાતા જ વિશાલના ચહેરાનો રંગ ઊડી ગયો. સામે જે લોકો ઊભા હતા તે ભલે સાદા વેશમાં હતા પરંતુ વિશાલને અંદાજો આવી ગયો કે આ પોલીસ જ છે. તે ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો અને ગોડાદરા પોલીસ સ્ટેશન લઇ આવી. એક રૂમમાં વિશાલને રાખવામાં આવ્યો. તે વિચારી રહ્યો હતો કે હવે આગળ શું થશે તેવામાં જ તેના કાનમાં એક અવાજ સંભળાયો. આ અવાજ પોલીસના એ ઉચ્ચ અધિકારીઓના ચાલવાનો હતો જે ઝડપભેર વિશાલને જ્યાં રાખવામાં આવ્યો હતો તે રૂમ તરફ આવી રહ્યાં હતા. થોડી જ સેકન્ડમાં એ ઉચ્ચ અધિકારીઓ વિશાલની નજર સામે ઊભા હતા. તેમણે વિશાલની કડક પૂછપરછ કરી ત્યારે તેણે ઠંડે કલેજે પોતાના ગુનાની તમામ વિગતો આપી. જેને સાંભળીને અનુભવી પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા. તપાસ અધિકારીઃ તે લાશ પર સિમેન્ટ શા માટે નાખી હતી?
વિશાલઃ સાહેબ, મેં ક્રાઇમ શો અને ફિલ્મોમાં જોયું હતું કે જો લાશ હવાના સંપર્કમાં ન આવે અને તેના પર સિમેન્ટનું કવર બનાવી દેવામાં આવે તો દુર્ગંધ બહાર નથી આવતી અને લાશ ક્યારેય કોહવાતી નથી. મને લાગ્યું હતું કે કોઇને ક્યારેય ખબર નહીં પડે કે એ પેટીમાં શું છે એટલે મેં લાશ પર સિમેન્ટ નાખી હતી. તપાસ અધિકારીએ બીજો સવાલ પૂછ્યો- આટલા દિવસ તું ક્યા હતો? કઇ-કઇ જગ્યાએ ગયો હતો?
વિશાલે આનો પણ જવાબ આપ્યો. આગળ તેણે કબૂલ્યું કે, પત્ની ડાયટીશિયન તરીકે સારું કમાતી હતી અને તે પોતે બેકાર હતો તેથી તેને હંમેશા એવું લાગતું કે પત્ની તેને ગણકારતી નથી અને તેનું અન્ય કોઇ સાથે ચક્કર છે. જેના કારણે જ તેણે શિલ્પાની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. તેણે વિચાર્યું હતું કે 5 દિવસ પછી જ્યારે કેસ ઠંડો પડી જશે ત્યારે તે શાંતિથી શહેર છોડીને ગાયબ થઇ જશે પરંતુ સંતાન પ્રત્યેના લગાવ અને પત્નીની હત્યાના પાપના બોજ તળે તેણે લખેલી ચિઠ્ઠીનો ફોટો પાડીને પુત્રને મોકલી દીધો હતો. વિશાલની આટલી કબૂલાત બાદ કેસ ઉકેલાઇ ગયો હતો. પોલીસે તેની સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે શિલ્પાની હત્યામાં વપરાયેલી બાઇક, સિમેન્ટ સહિતના પુરાવા મેળવ્યા હતા. હાલ તો વિશાલ પત્ની શિલ્પાની હત્યાના આરોપ હેઠળ જેલમાં બંધ છે પણ સૌથી મોટો અન્યાય એ બે માસૂમ બાળકો સાથે થયો છે. જેમણે એક જ ઝાટકે માતાની છત્રછાયા ગુમાવી દીધી અને પિતા જેલમાં જતાં તેઓ જીવતેજીવ અનાથ બની ગયા છે. આ પણ વાંચો 13 વર્ષના પુત્રને વોટ્સએપ મેસેજ કરી પિતાએ હત્યાની કબૂલાત કરી, ગળું દબાવી ડાયટીશિયન પત્નીને મોતને ઘાટ ઉતારી, વાંચો પાર્ટ-1
13 વર્ષના પુત્રને વોટ્સએપ મેસેજ કરી પિતાએ હત્યાની કબૂલાત કરી:શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો, 1 સેકન્ડ માટે ફોન ચાલુ કર્યો ને પકડાયો
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
