ભરૂચ તાલુકાના મનુબર ગામની સોસાયટીઓમાં રાત્રિના સમયે તસ્કરોની હિલચાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આફરીન એપાર્ટમેન્ટમાં એક દુકાનમાંથી આશરે 40 હજાર રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આફરીન એપાર્ટમેન્ટના મકાન નંબર 37માં ઘર સાથે દુકાન આવેલી છે. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનમાં પ્રવેશ કરી પ્લાસ્ટિકનો ગલ્લો તોડ્યો હતો. ત્યારબાદ અન્ય ગલ્લામાંથી આશરે 40 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા આઠથી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ કેદ થઈ હતી. ફૂટેજમાં કેટલાક શખસો મોઢે બુકાની બાંધીને અને હાથમાં ચપ્પલ લઈને સોસાયટીના મકાનો પાસે ફરતા તેમજ ઘરોમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. એકથી વધુ શખસો એકસાથે સોસાયટીમાં ફરતા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. રિક્ષામાં પણ ચોરીના પ્રયાસો થયા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. મનુબર સહિત ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ તસ્કરોની અવરજવરથી રહીશોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોમાં રાત્રે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોવાની ચર્ચા છે. જો કોઈ રહીશ તસ્કરોના સંપર્કમાં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસ સમક્ષ સોસાયટીઓમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને સીસીટીવીમાં કેદ થયેલા શખસોની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની માંગ કરી છે. સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી તસ્કરોની ટોળકીને ઝડપી પાડે છે કે કેમ, તેના પર સૌની નજર છે.
મનુબર સોસાયટીમાં 40 હજારની ચોરી; તસ્કરો CCTVમાં કેદ:8થી વધુ શંકાસ્પદ શખસની હિલચાલ, રહીશોએ પેટ્રોલિંગ વધારવા માગ કરી
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
