જામજોધપુર તાલુકાના વેરાવળ ગામે પોલીસે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, ગંજીપત્તા અને બે મોટરસાયકલ સહિત કુલ ₹63,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જામજોધપુર પોલીસના સર્વેલન્સ સ્ટાફને વેરાવળ ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રોન પોલીસનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ચાર શખ્સો કુંડાળું વળી પૈસાની હારજીત કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સોમાં ફારૂકભાઈ ઘુઘા, બસીરભાઈ સમા, વિજયભાઈ સોલંકી અને ઈબ્રાહીમભાઈ ઘુઘાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરીફભાઈ ઘુઘા અને હુશેનભાઈ રાવકરડા નામના બે શખ્સો પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી 52 ગંજીપત્તાના પાના, રોકડા ₹13,600 અને ₹50,000ની કિંમતના બે મોટરસાયકલ સહિત કુલ ₹63,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
વેરાવળમાં જુગારધામ પર પોલીસનો દરોડો:તીનપત્તી રમતા 4 ઝડપાયા, ₹63,600નો મુદ્દામાલ જપ્ત
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
