દિવ્યાંગ ભાઈઓ-બહેનોને રોજગારી અને એપ્રેન્ટીસની તકો ઉપલબ્ધ કરાવવા માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, વડોદરા, આઈટીઆઈ ફોર ડિસેબલ, તરસાલી તથા નેશનલ કેરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ ફોર વુમન (NCSDA), વડોદરાના સંયુક્ત ઉપક્રમે તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો આઈટીઆઈ ફોર ડિસેબલ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે સવારે 10 વાગ્યે યોજાશે. જેમાં ઓર્થો લોકમોટર ડિસેબિલિટી, હિયરિંગ ઈમ્પેયર્ડ (શ્રવણ ક્ષતિ), ડ્વારફિઝમ (વામનતા) સહિતની દિવ્યાંગતા ધરાવતા, સ્વતંત્ર રીતે હલનચલન કરી શકતા તેમજ બંને હાથથી કામ કરી શકતા 18થી 35 વર્ષની વયના દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતી મેળામાં વડોદરા જિલ્લાના 7થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ધોરણ 8, 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મેઈન્ટેનન્સ, સ્ટોર, ક્વોલિટી, પ્રોડક્શન, કોમ્પ્યુટર ઓપરેટર, પેકર, સોર્ટર અને હેલ્પર સહિતની 100થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. ઉમેદવારોની લાયકાત અને કામ કરવાની ક્ષમતાના આધારે પ્રાથમિક પસંદગી કરી રોજગારી તથા એપ્રેન્ટીસની તકો આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને સરકારની સ્વરોજગાર લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસિકતા તથા રોજગારલક્ષી નિઃશુલ્ક વોકેશનલ કોર્સની તાલીમ અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ ઓનલાઈન રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર રોજગારી મેળવવા માટે ઉમેદવારોની ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવશે. ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા લાયક દિવ્યાંગ ઉમેદવારોએ પાંચ બાયોડેટાની નકલ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, અભ્યાસ તથા સ્કીલ પ્રમાણપત્રો અને આધારકાર્ડની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે આવતીકાલે રોજગાર ભરતી મેળો યોજાશે:ધોરણ 8, 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મેઈન્ટેનન્સ, કોમ્પ્યુટર ઓપરેટર સહિત 100થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
