ભરૂચ વોર્ડ 1 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:રહીશોએ નગરપાલિકા પ્રમુખ-ચીફ ઓફિસરને રજૂઆત કરી

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી. વોર્ડની આશરે 15 સોસાયટીના રહીશોએ એકત્ર થઈ પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને પોતાની સમસ્યાઓ જણાવી હતી. રહીશોના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 1 માં 1000 થી વધુ મકાનો આવેલા છે અને તેઓ નિયમિતપણે ‘A’ ગ્રેડનો વેરો ભરે છે. તેમ છતાં, વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. કેટલાક સ્થળોએ રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, જેનાથી ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય છે. આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. સ્થાનિકોએ કોર્પોરેટર સામે પણ નારાજગી વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે, રજૂઆત કરવા જતાં તેમને “તમે અમને વોટ ક્યાં આપ્યો હતો કે અમે તમારું કામ કરીએ” જેવા જવાબો મળે છે, જેના કારણે સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. આગામી ઈદે મિલાદ-ઉન-નબીના તહેવારને ધ્યાનમાં રાખીને, રહીશોએ જુલૂસના રૂટ પરના ખાડા તાત્કાલિક પૂરવા, બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા, જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા અને પાણી-ગટર જેવી પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *