NEET UG : UPSC જેવી મજબૂત સિસ્ટમ બનાવો અને ટેકનોલોજી નિષ્ણાતોની ભરતી કરો, SCની NTA ને ટકોર

📅 Published: August 19, 2026 | 📂 Category: India National

સુપ્રીમ કોર્ટમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET-UG પરીક્ષાની સુરક્ષા, પેપર લીક અટકાવવા માટેની દેખરેખ પ્રણાલી અને NTA ના પુનર્ગઠનની માંગ કરતી અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટ અને FAIMA સહિતની સંસ્થાઓ દ્વારા દાખલ કરાયેલી આ અરજીઓની સુનાવણી જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

 NEET પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે આધુનિક હશે

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને ખાતરી આપતા જણાવ્યું હતું કે NEET પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે આધુનિક, પારદર્શી અને સુરક્ષિત છે, જેને તોડવી કે તેમાં ગેરરીતિ આચરવી અત્યંત મુશ્કેલ છે. પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા અત્યંત ગુપ્તતા સાથે પૂરી કરવામાં આવે છે.

અધિકારીઓની વારંવાર બદલીઓ ટાળવા પર ભાર

સામે પક્ષે, સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે કાગળ પર પ્રક્રિયા ગમે તેટલી ઉત્તમ દેખાતી હોય, પરંતુ વાસ્તવિક પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે સિસ્ટમની નબળાઈઓ એક પરીક્ષાથી બીજી પરીક્ષામાં ફરી ન દેખાય. કોર્ટે NTA ને યુપીએસસી (UPSC) જેવી જ મજબૂત અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી વિકસાવવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, ટેકનોલોજીની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાતોની ભરતી કરવા અને અનુભવી અધિકારીઓની વારંવાર બદલીઓ ટાળવા પર ભાર મૂક્યો હતો, જેથી સિસ્ટમમાં સ્થિરતા જળવાઈ રહે.

સરકારે કોર્ટ સમક્ષ NEET પરીક્ષાના 10-સ્તરીય કડક સુરક્ષા કવચની વિગતો રજૂ કરી હતી

પ્રશ્ન બેંક અને પસંદગી: 13 ભાષાઓમાં તજજ્ઞો દ્વારા પ્રશ્ન બેંક તૈયાર થાય છે. 4 અલગ-અલગ સેટમાંથી NTA ડાયરેક્ટર જનરલ સીલબંધ પેપર પસંદ કરે છે.

સુરક્ષિત છાપકામ: બે નિયુક્ત પ્રિન્ટિંગ પ્રેસમાં CCTV અને CISF ની કડક નજર હેઠળ પેપર છાપવામાં આવે છે.

ડિજિટલ કોડ અને તાળાબંધી: પેપર લોખંડના બોક્સમાં રખાય છે. પરિવહન કરનાર વ્યક્તિ પાસે ડિજિટલ કી હોય છે, પરંતુ બોક્સ ખોલવાનો કોડ માત્ર NTA DG ની પરવાનગીથી જ મળે છે.

સ્ટ્રોંગ રૂમ અને જીપીએસ ટ્રેકિંગ: પેપર્સ અલગ-અલગ બેંકોના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. બેંકથી પરીક્ષા કેન્દ્ર સુધી વાહનોની હિલચાલ GPS અને પોલીસ સુરક્ષા હેઠળ થાય છે.

વિદ્યાર્થીઓની હાજરીમાં ઉદ્ઘાટન: પરીક્ષાના થોડા કલાકો પહેલાં ૨ વિદ્યાર્થીઓની હાજરીમાં સીલબંધ બોક્સ ખોલવામાં આવે છે અને તેનું વિડીયો રેકોર્ડિંગ થાય છે. વર્ગખંડમાં ૨૪ વિદ્યાર્થીઓના પેકેટ પોતે વિદ્યાર્થીઓ જ ખોલે છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષાની સુચિતા જાળવવા માટે આ સુરક્ષા સ્તરોનું અક્ષરશઃ પાલન થાય તે અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Railway મુસાફરો સાવધાન! શું તમે પણ ટ્રેનમાં નકલી પાણી તો નથી પી રહ્યા ને? જાણો સમગ્ર મામલો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *