વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિ મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં આ બ્રિજનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. સમાન પ્રકારના નદી પરના વિશાળ બ્રિજ બાંધકામોની સરખામણીમાં ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય અત્યંત ઝડપી ગતિએ પૂર્ણ થયું છે, જે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. હાલમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકતા પહેલાં બ્રિજ પર જરૂરી ટેસ્ટિંગ તેમજ ચકાસણીની અંતિમ તબક્કાની કામગીરી ખૂબ જ સઘન રીતે હાથ ધરવામાં આવી રહી છે. આધુનિક એન્જિનિયરિંગ અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ
આ બ્રિજના નિર્માણમાં આધુનિક સિવિલ એન્જિનિયરિંગ અને નવીન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય બાંધકામમાં ઈપોક્ષી કોટેડ સ્ટીલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે ભેજ વાળા વાતાવરણમાં પણ સ્ટીલને લાંબા ગાળા સુધી કાટ લાગવાની શક્યતા નહિવત થઈ જાય છે. આ ટેકનોલોજીથી બ્રિજની ટકાઉપણું અને કુલ આયુષ્યમાં મોટો વધારો થશે. પ્રિકાસ્ટ એલિમેન્ટનો ઉપયોગ
આ ઉપરાંત બાંધકામની ગતિ ઝડપી બનાવવા માટે પ્રિકાસ્ટ એલિમેન્ટનો ઉપયોગ કરાયો હતો. બ્રિજના દરેક પિલ્લર પર ભવિષ્યમાં જરૂરી નિરીક્ષણ અને જાળવણી સરળતાથી થઈ શકે તે માટે ખાસ ઈન્સ્પેક્શન પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ નિર્માણ દરમિયાન હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ સતત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. 300 શ્રમિકોની સતત મહેનત
આ બ્રિજને સમયસર પૂર્ણ કરવા માટે સરેરાશ 300 જેટલા શ્રમિકો અને એન્જિનિયરોની ટીમે દિવસ-રાત સતત મહેનત કરી હતી. યોગ્ય આયોજન, ગુણવત્તાયુક્ત સામગ્રી અને આધુનિક ટેકનોલોજીના સુમેળથી બ્રિજને અત્યંત મજબૂત, ટકાઉ અને સલામત સ્વરૂપ આપવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ પરના તમામ સુરક્ષા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આગળની નિયત સરકારી પ્રક્રિયા પૂરી કરીને તેને જાહેર જનતાના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બ્રિજ શરૂ થવાથી વડોદરા અને આણંદ વચ્ચેનો વાહનવ્યવહાર વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે. બ્રિજ તૂટતા 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા
વડોદરા – આણંદ વચ્ચે મહી નદી ઉપરનો ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈના રોજ ધરાશાયી થયો હતો. વડોદરા અને આણંદને જોડતા મહી નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં કુલ 22 લોકોનાં મોત ની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. આ ગંભીરા પુલનો સ્લેબ અચાનક ધરાશાયી થવાથી વાહનો નદીમાં ડૂબી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી દરમિયાન આ દુખદ મૃત્યુઆંક સામે આવ્યો હતો. બ્રિજ ધરાશાયી થતાં વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે સરકારે નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી જેના આધારે નવો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે.
વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ એક વર્ષમાં નવો બનીને તૈયાર:જુલાઈ, 2025માં બ્રિજ ધરાશાયી થતા 22ના મોત થયા'તા, લોડચ ટેસ્ટિંગ બાદ થોડા દિવસમાં જ ખુલ્લો મૂકાશે
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
