જામનગર જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’નો પ્રારંભ:મહિલાઓના હસ્તનિર્મિત ઉત્પાદનોને બજાર આપવા DDO નિશાએ મુલાકાત લીધી

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

જામનગરમાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તનિર્મિત અને સ્થાનિક ચીજવસ્તુઓને યોગ્ય બજાર અને વેચાણ માટે મંચ મળી રહે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. જિલ્લા વિકાસ અધિકારી નિશાએ ‘ગ્રામહાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે બહેનો સાથે સંવાદ કરીને તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ, વેચાણ વ્યવસ્થા અને સ્વ-સહાય જૂથો અંગે માહિતી મેળવી હતી. DDO નિશાએ બહેનોને વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા, પેકેજિંગ અને બ્રાન્ડિંગ પર ધ્યાન આપવા તેમજ બદલાતી બજારની જરૂરિયાતોને અનુરૂપ નવા ઉત્પાદનો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ‘ગ્રામહાટ’ થકી બહેનોને તેમના ઉત્પાદનો માટે સ્થાનિક સ્તરે જ બજાર ઉપલબ્ધ થશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે અને તેમને આત્મનિર્ભર બનવાની તકો પ્રાપ્ત થશે. ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત અને સ્થાનિક સ્તરે તૈયાર થયેલા ઉત્પાદનો એક જ સ્થળેથી ખરીદવાની સુવિધા મળશે. ‘ગ્રામહાટ’માં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓ, ઘર સુશોભનની વસ્તુઓ, પરંપરાગત કલા આધારિત ઉત્પાદનો, ક્રોચેટમાંથી બનાવેલ વસ્તુઓ, બાંધણી, હેન્ડમેડ જ્વેલરી, સ્કિન કેર તથા ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતા સ્થાનિક ઉત્પાદનોને વધુ ઓળખ અને બજાર ઉપલબ્ધ કરાવવા માટે આ ‘ગ્રામહાટ’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, સ્વ-સહાય જૂથોની બહેનો તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *