Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી

📅 Published: August 19, 2026 | 📂 Category: Baroda

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની જેમના શિરે જવાબદારી છે તે જ પોલીસ વિભાગનો એક કર્મચારી દારૂનો કાળો કારોબાર કરતો ઝડપાતાં ભારે સનસનાટી મચી ગઈ છે. ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ સંજય ચૂડાસમા પોતાના બૂટલેગર સાથીદાર વિક્રમ થાપા સાથે મળીને સુરતથી દારૂની મોટી ખેપ મારીને વડોદરા તરફ આવી રહ્યો હતો.

વડોદરામાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક

વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રીના પ્રોટોકોલ અને બંદોબસ્તમાં તૈનાત પોલીસે શંકાના આધારે એક કારને રોકીને તલાશી લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી રૂ. 4.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.તપાસ દરમિયાન ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે કોન્સ્ટેબલ સંજય ચૂડાસમા માત્ર રક્ષણ આપવા પૂરતો સીમિત નહોતો, પરંતુ બૂટલેગર વિક્રમ થાપા સાથે દારૂના ધંધામાં પચાસ ટકા (50%) નો સીધો ભાગીદાર હતો.

કોન્સ્ટેબલ બૂટલેગર સાથે ભાગીદારીમાં લાવતો હતો દારૂ

જે દિવસે દારૂની ખેપ મારવાની હોય તે દિવસે કોન્સ્ટેબલ સંજય ચૂડાસમા સરકારી દફતરે પોતાની માંદગીના નામે રજા રિપોર્ટ મૂકી દેતો હતો જેથી કોઈને શંકા ન જાય. પોલીસ ઓળખકાર્ડ અને રોફનો ઉપયોગ કરીને હાઇવે પરના ચેકિંગમાંથી બચી નીકળવાનો આ શખ્સોનો ઇરાદો હતો.વડોદરા પોલીસે દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સાથે જ કોન્સ્ટેબલ સામે વિભાગીય તપાસ અને નિલંબન સહિતના પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Vadodara: ‘તારામાં ડાકણ બેઠી છે’ કહી આચરતો હતો શોષણ, વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કરી નાણાં પડાવનાર તાંત્રિક ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *