ગોધરા રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો:નંદેસરી પોલીસે ક્રેટા કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જૂના કારનામાઓની તપાસની માંગ

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા રેલવે પોલીસ તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય વિક્રમભાઈ ચુડાસમા વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 16 ઓગસ્ટના રોજ દિલ્હી-મુંબઈ ભારતમાલા હાઈવે પર નંદેસરી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સુરત તરફથી આવી રહેલી એક ક્રેટા કારને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ. 4.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ સહિત બેની અટકાયત
પોલીસે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેમના સાગરીત વિક્રમ વલ્લભ ઢાપાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો સુરતના લિંબાયત વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે દારૂના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ બાદ કડક કાર્યવાહી કરવાની માંગ
હેડ કોન્સ્ટેબલની દારૂની હેરાફેરીના કેસમાં ધરપકડ થતાં તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ તેમની અગાઉની કામગીરી અને તેમના પર લાગેલા આક્ષેપોની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અગાઉ માર માર્યાના ગંભીર આક્ષેપો
સંજય ચુડાસમા સામે અગાઉ પણ દબંગાઈ અને સત્તાના દુરુપયોગના આક્ષેપો થયેલા હોવાનું સામે આવ્યું છે. ગત 26 ફેબ્રુઆરીના રોજ ગોધરાના વેરૈયા ગ્રામ પંચાયતના સરપંચ પતિ રણજીતસિંહ પરમારને સમાધાનના બહાને ડેરોલ રેલવે સ્ટેશન પોલીસ ચોકીમાં બોલાવી રૂમમાં પૂરી દંડા વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રણજીતસિંહ પરમારને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા તેમજ તેમનો મોબાઈલ પણ લઈ લેવાયો હોવાનો આક્ષેપ છે. ‘રેલવે DySP’ લખેલી ગાડી મામલે પણ સવાલો
આ ઘટનાની રાત્રે વેરૈયા ગામમાં ‘રેલવે DySP’ લખેલી ગાડી લઈ રોફ જમાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થયા હતા. રેલવે પોલીસની હદ બહાર આવેલા ગામમાં DySPની ગાડી કયા અધિકારીના કહેવાથી પહોંચી હતી તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા. આ મામલે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઢાંકપીછોડો કર્યો હોવાનો અને પીડિતને યોગ્ય ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જૂના મામલાની તટસ્થ તપાસની લોકમાંગ
હવે હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાતા વેરૈયા ગામના સરપંચ પતિને માર મારવાના અગાઉના આક્ષેપોની પણ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉગ્ર બની છે. દારૂ હેરાફેરીના કેસ સાથે તેમના અગાઉના વિવાદાસ્પદ મામલાઓની પણ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *