Ahmedabad: AMC ના નામે રૂ. 3.15 લાખની લાંચ લેતા બોગસ પત્રકાર પતિ-પત્ની ઝડપાયા, સોનીની ચાલી પાસે ACB ની સફળ ટ્રેપ

📅 Published: August 19, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં પત્રકારત્વના નામે બ્લેકમેઇલિંગ અને તોડબાજી કરતા તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ફરિયાદી જાગૃત નાગરિકે પોતાના મકાનના પ્રથમ માળે પતરાની છત દૂર કરીને પાકું બાંધકામ કરાવ્યું હતું. આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ ઝોન દ્વારા ફરિયાદીને બે નોટિસો આપવામાં આવી હતી.

AMC અધિકારીઓના નામે લાંચની માંગણી

આ નોટિસનો આધાર બનાવી શિલ્પાબેન વિજયભાઈ આહીર અને તેમના પતિ વિજયભાઈ ડાહ્યાભાઈ આહીરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. બંને આરોપીઓએ AMC ના અધિકારીઓ સાથે સેટલમેન્ટ કરાવી દેવાની અને બાંધકામ ન તોડાવવાની ખાતરી આપી AMC અધિકારીઓના નામે રૂ. 3 લાખ અને શિલ્પાબેને પોતાના રૂ. 25 હજાર મળી કુલ રૂ. 3.25 લાખની લાંચની માંગણી કરી હતી. આરોપી શિલ્પાબેને અગાઉ ફરિયાદી પાસેથી રૂ. 10 હજાર મેળવી લીધા હતા. બાકી નીકળતા રૂ. 3.15 લાખ આપવા માટે આરોપીઓ અવારનવાર દબાણ કરતા હતા. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ત્વરિત એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ACB ની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું

ફરિયાદના આધારે 19 ઓગસ્ટના રોજ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા પાસે સફળ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી શિલ્પા આહીર અને વિજય આહીર પોતાની વેગનઆર કારમાં સોનીની ચાલી ચાર રસ્તા પાસે જાહેર રોડ પર ફરિયાદી પાસેથી રૂ. 3.15 લાખની લાંચ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ એસીબીએ દરોડો પાડી બંનેને રકમ સાથે પકડી પાડ્યા હતા. એસીબીએ બંને બોગસ પત્રકાર પતિ-પત્ની સામે ગુનો નોંધી, AMC ના કયા અધિકારીઓનો વપરાશ કરાતો હતો અને અગાઉ કેટલા લોકોને બ્લેકમેઇલ કર્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Surat: લિંબાયતમાં મફત સામાન ન આપતાં વેપારી પર 5 પોલીસકર્મીઓનો અમાનુષી અત્યાચાર, પીડિતે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *