દાદરા નગર હવેલીમાં બે સગીરાઓએ દમણગંગા નદીમાં ઝંપલાવ્યું:રાખોલી પુલ પરથી કૂદકો મારતા એકનું મોત; બીજી ICUમાં સારવાર હેઠળ

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના રાખોલી પુલ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. દાદરા ગામની બે સગીરાઓએ શંકાસ્પદ સંજોગોમાં રાખોલી પુલ પરથી દમણગંગા નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનામાં એક સગીરાનું મોત થયું છે, જ્યારે બીજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને સગીરા અચાનક પુલ પરથી કૂદી પડી
મળતી માહિતી મુજબ, દાદરા ગામની બે સગીરા બપોરના સમયે દાદરાથી પગપાળા રાખોલી પુલ પર પહોંચ્યા હતા. દરમિયાન બંનેએ અચાનક પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. આ દૃશ્ય પસાર થતા લોકોએ જોતા તાત્કાલિક બૂમાબૂમ કરી હતી અને ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. એક સગીરાનું ઘટનાસ્થળે મોત, બીજી ICUમાં સારવાર હેઠાળ
ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન એક સગીરાનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજી સગીરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ઈજાગ્રસ્ત સગીરાને 108 એમ્બ્યુલન્સ મારફતે શ્રી નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં દાખલ કરવામાં આવી છે. તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને તે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. પરિવારજનો પણ ઘટનાના કારણથી અજાણ
ઘટનાની જાણ થતાં બંને સગીરાઓના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ સવારે ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને તે સમયે બંને છોકરીઓ ઘરે જ હતી. બંનેએ આટલું મોટું પગલું શા માટે ભર્યું તે અંગે પરિવારજનોને પણ કોઈ જાણકારી નથી. બંને પરિવારો પર આભ તૂટી પડ્યું
મૃતક સગીરા તેના માતા-પિતાની સૌથી મોટી પુત્રી હતી અને તેનો એક નાનો ભાઈ છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સગીરા બે બહેનો અને એક ભાઈમાં સૌથી મોટી છે. અચાનક બનેલી આ ઘટનાથી બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઈજાગ્રસ્ત સગીરા ભાનમાં આવ્યા બાદ પોલીસ પૂછપરછ કરશે
પોલીસે મૃતક સગીરાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સમગ્ર મામલે કેસ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. બંને સગીરાઓએ આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્ત સગીરા ભાનમાં આવ્યા બાદ તેની પૂછપરછ તેમજ પરિવારજનો અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવવાની શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *