‘નો નંબર પ્લેટ, નો ફ્યુઅલ’ નિયમનો ભંગ ભારે પડ્યો:રાજકોટમાં ઢેબર રોડના પેટ્રોલ પંપ કર્મચારી અને વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો, પોલીસે કાર ડિટેઇન કરીને બંનેની અટકાયત કરી

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના ઢેબર રોડ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઇંધણ પૂરવામાં આવતું હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયો સામે આવતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ભક્તિનગર પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નિયમનો ભંગ કરી કારમાં ઇંધણ પૂરી આપનાર પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ તથા નંબર પ્લેટ વગર કાર લાવેલા કારચાલક જયભાણ ગઢવી બંને વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કાર ડિટેઇન કરીને બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાખોરી નિયંત્રણ અને માર્ગ સલામતીના ભાગરૂપે નંબર પ્લેટ વગરના, નંબર પ્લેટ ઢાંકેલી હોય કે અસ્પષ્ટ હોય તેવાં વાહનોમાં પેટ્રોલ, ડીઝલ કે સી.એન.જી. નહીં પૂરવા માટેનું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છતાં અમુક વાહનચાલકો દ્વારા આ નિયમોના ધજાગરા ઉડાડવાના બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઢેબર રોડ પર આવેલ ભૂતખાના ચોક નજીકના ભાડલાવાળા પેટ્રોલ પંપ પર એક કારચાલકે કાયદાનો અનાદર કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વાયરલ વીડિયોમાં કાળા રંગની ક્રેટા કારનો ચાલક નંબર પ્લેટ વગર જ પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા પહોંચ્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીએ જાહેરનામાનો હવાલો આપી ઈંધણ પૂરવાની ના પાડતાં જ કારચાલકે કારની અંદરથી પોતાની નંબર પ્લેટ કાઢીને કર્મચારીને બતાવી હતી. અને કર્મચારીએ પણ જાહેરનામાની અમલવારીને કોરાણે મૂકીને તુરંત કારમાં ઈંધણ પૂરી આપ્યું હતું. ઈંધણ પુરાઈ ગયા બાદ કારચાલકે ફરીથી નંબર પ્લેટ અંદર મૂકી દીધી હતી અને ત્યાંથી રવાના થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા જાગી હતી અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. વાયરલ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતાં તેમણે તુરંત જ તપાસના આદેશ આપ્યા હતા. જેને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર જયદિપસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ઘટના ઢેબર રોડનાં ભાડલાવાળા પેટ્રોલ પંપની હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ ક્રેટા કારચાલક જયભાણ ઉદયભાણ ગઢવી ઉપરાંત તેને ઈંધણ પૂરી આપનાર પંપના કર્મચારી પંકજસિંહ કનૈયાસિંહની ઓળખ મેળવી ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. તેમજ ક્રેટા કાર ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *