જન્મના માંડ 6 મહિના બાદ એક દીકરીને દિવસમાં 100થી 200 વખત ગંભીર પ્રકારની ખેંચ આવતી હતી. આ બીમારી વિશે તેના પરિવારને શરૂઆતના તબક્કે તો કંઈ ખ્યાલ જ ન આવ્યો કે તેમની દીકરીને આટલી નાની ઉંમરમાં શું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે દીકરીને અત્યંત ગંભીર ખેંચની બીમારી છે જેને એપીલેપ્સી કહેવાય છે. આ રિપોર્ટ આવતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું. જો કે બાદમાં અત્યંત જટિલ સર્જરીથી દીકરીને નવજીવન મળ્યું અને તેને આ બીમારીમાં 30થી 80% જેટલી રાહત થઇ. આ સર્જરી એટલે VNS (વેગસ નર્વ સ્ટીમ્યુલેશન) ગુજરાતની આ પ્રકારની પ્રથમ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હાલમાં જે બાળકીની VNSની સર્જરી કરવામાં આવી છે તેની ઉંમર 6 વર્ષની છે અને તે લુણાવાડામાં રહે છે. ત્યારે એપીલેપ્સી છે શું? આ થવાના કારણો શું છે? આ કેવા સંજોગોમાં થાય છે? એપીલેપ્સીથી કેવા પ્રકારનું જોખમ રહેલું છે? શું VNS સર્જરી કરાવી દીધા પછી પણ ગંભીર પ્રકારની ખેંચનું જોખમ રહે છે? આખરે ગુજરાતમાં પહેલી વાર 16 વર્ષથી નાના અને માત્ર 6 વર્ષની બાળકીમાં આ એપીલેપ્સીની VNS સર્જરી કેવી રીતે શક્ય બની તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે પીડિયાટ્રિક ન્યૂરો ફિઝિશિયન ડૉ. નીતિશ વોરા સાથે એક્સક્લૂસિવ વાત કરી હતી. એપીલેપ્સી નામની બીમારી છે શું?
એપીલેપ્સી એ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. મનુષ્યનું મગજ કરોડો જ્ઞાન તંતુઓનું બનેલું એક નેટવર્ક છે. જે નાના નાના કરંટ દ્વારા એક બીજાને મેસેજ આપ લે કરે છે. જેના કારણે જે તે કામ શરીર કરે છે. આ સંદેશાઓની આપ લે દરમિયાન જ્ઞાન તંતુઓમાં કોઈ જગ્યાએ ડેમેજ હોય અને શોર્ટ સર્કીટ થાય તો તે ભાગમાં કામ બરોબર થતું ને બંધ થઇ જાય છે. જેની અસર શરીરમાં જોવા મળે છે. આવા સંજોગોમાં એ વ્યક્તિ જે પણ કંઈ કામ કરી રહી હોય તે ચાલુ કામગીરીમાં જ અટકી જાય છે અથવા તો એકદમ શરીર કડક થઈ જાય છે. કેટલાક સંજોગોમાં શરીર ઝટકા પણ મારવા લાગે છે. એટલે જ્યારે જ્ઞાન તંતુઓમાં વિકાસની તકલીફ હોય કે પછી વધુ પડતાં ડિસ્ચાર્જ થાય ત્યારે અલગ પ્રકારનો સિવિયર વારંવાર થાય ત્યારે તેને એપીલેપ્સી કે પછી ખેંચની બિમારી કહી શકાય. ‘આ સદીઓથી ચાલતો આવતો રોગ છે’
ડૉ. નીતિશ વોરાએ કહ્યું, આપણે ખેંચ, વાઈ કે તાણ એમ અલગ અલગ રીતે જે બોલીએ છે તે સદીઓથી ચાલતો આવતો રોગ છે. પણ પહેલાં આ રોગને ખૂબ જ નકારાત્મક રીતે લેવાતો હતો. કેટલાક લોકો તેને દૈવીય શક્તિ અને માતાજીનો પ્રકોપ છે તેમ માનતાં હતા. જેમ જેમ સમજણમાં વધારો થતો ગયો તેમ તેમ ખબર પડી કે આ તો વિજ્ઞાન છે એટલે સંશોધન થયું અને તેની દવાઓ પણ ઉપલબ્ધ થઈ. એપીલેપ્સીથી મગજનો વિકાસ અટકી જાય છે
ગંભીર પ્રકારની ખેંચ આવે છે ત્યારે સૌથી પહેલાં તો તેના મગજનો વિકાસ અટકી જાય છે. આવા સંજોગોમાં સામાન્ય તકલીફ તો થાય છે પણ એક દિવસમાં 100થી 200 ખેંચ આવવાના કારણે લાંબા ગાળે મગજમાં ખૂબ જ મોટું નુકસાન થાય છે. જેને સાદી ભાષામાં નસ દબાઇ જાય છે તેમ કહેવાય છે. જો આ એક હદથી વધારે થાય તો તે વ્યક્તિનું મોત પણ થઇ શકે છે. ગુજરાતમાં આ પહેલો સફળ કિસ્સો
ડૉ. નીતિશ વોરા જણાવે છે કે ગુજરાતમાં 16 વર્ષથી નાની વયના બાળકમાં VNS સર્જરી થઈ હોય તેવો આ પહેલો સફળ કિસ્સો છે. બાળકી જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે તેના ડાબા હાથમાં ઝટકા આવતા પરિવાર તેને હોસ્પિટલ લાવ્યો હતો. એક્ઝામિનેશનમાં બાળકીના ડાબા ભાગમાં લકવો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન મગજની પટ્ટી અને મગજના ફોટા પરથી જાણવા મળ્યું કે બાળકીના જમણા મગજમાં જન્મજાત મોટું નુકસાન હતું અને ડાબા ભાગમાં પણ ક્ષતિ હતી. આ કારણે તેને દિવસમાં 100થી 200 જેટલી ગંભીર ખેંચ આવતી હતી. ભારે દવાઓ, સ્ટીરોઇડ અને મગજના વિકાસની સારવાર આપવા છતાં તેને ખેંચમાં આંશિક જ રાહત મળતી હતી. દવા અસર ન કરે તો VNSનો વિકલ્પ
સામાન્ય રીતે દવાથી ફેર ન પડે ત્યારે મગજનો ખરાબ ભાગ ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવે છે તેવું કહેતાં તેમણે જણાવ્યું કે, મગજના બંને ભાગમાં નુકસાન હોવાથી મુંબઈ-દિલ્હીના નિષ્ણાતો મુજબ પણ આ બાળકી માટે સર્જરી શક્ય નહોતી. આથી, ખેંચનું પ્રમાણ ઘટાડવા માટે પરિવારને VNS નામની પેલિયેટિવ સર્જરીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આવી રીતે થાય છે VNS સર્જરીની પ્રોસેસ
આ ઓપરેશનની આખી પ્રોસેસ અંગે તેઓ કહે છે કે પહેલાં તો એ દર્દીની પસંદગી કરવામાં આવે છે એ પછી તેને યોગ્ય દવા અપાઇ રહી છે કે નહીં, બીજી કોઇ દવા આપવાથી તેનામાં કેટલો ફેર આવી રહ્યો છે અથવા તો તે મટી શકે કે નહીં તે પણ ચેક કરાય છે. આ બધી પ્રોસેસ કર્યા પછી એવું લાગે કે VNS જ તેનો ઓપ્શન છે ત્યારે આ ઓપરેશન કરવામાં આવે છે. દર્દીને એક દિવસ પહેલા એડમિટ કરાય છે
‘જ્યારે VNSનું ઓપરેશન કરવાનું હોય ત્યારે તે વ્યક્તિને એક દિવસ પહેલાં હોસ્પિટલમાં એડમિટ કરાય છે, આ પછી તેના કેટલાક ટેસ્ટ કરાવવામાં આવે છે બધું બરોબર થઇ ગયા પછી તેનું ઓપરેશન થાય છે. આ ઓપરેશન લગભગ બેથી ત્રણ કલાક ચાલે છે. આ દરમિયાન તે વ્યક્તિના ગળાના ડાબા ભાગમાં વિગસ નર્વની આસપાસ સ્ટીમ્યુલેટરની કોઇલ લગાવવામાં આવે છે તે બાદ તે જગ્યાને ટાંકા મારી ચામડીને જોડી દેવામાં આવે છે. એ પછી છાતીના ડાબી સાઈડ આગળના ભાગમાં 4થી 5 સેન્ટીમીટર પહોળું તેનું જનરેટર ફિટ કરવામાં આવે છે. તેમાં એક અટેચ બેટરી પણ હોય છે.’ ઓપરેશન બાદ જનરેટર ચેક કરવામાં આવે છે
‘આ બરાબર રીતે શરીરમાં પ્લાન્ટ કર્યા પછી તેને ચાલુ કરીને ચેક કરવામાં આવે છે કે તે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. જો બધું જ બરોબર હોય તો તે વ્યક્તિને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવે છે. આ પછી જરૂરિયાત પ્રમાણે ICUમાં રાખવામાં આવે છે. જ્યારે રૂટિન આવે એ પછી ધીરે ધીરે જનરેટરનો કરંટ અપાય છે. જેની સાયકલ નક્કી કરાય છે. આ ઓપરેશન કર્યા પછી સંપૂર્ણપણે ખેંચ આવવાની બંધ નથી થતી પણ ગંભીર પ્રકારની આવતી ખેંચ 30થી 80% ઓછી થઇ જાય છે.’ જનરેટરને બહારથી પણ ઓપરેટ કરી શકાય
ડૉ. વોરાએ વધુમાં કહ્યું, જે વ્યક્તિના શરીરમાં આ સર્જરી કર્યા પછી જનરેટર લગાવાય છે તેને અમે બહારથી પણ ઓપરેટ કરી શકીએ છીએ અને તેને પ્રોગ્રામિંગ પણ કરી શકું છું. આ સાથે જ પરિવારને મેગ્નેટ આપવામાં આવે છે. જેથી પરિવારની વ્યક્તિ જે તે વ્યક્તિને જુએ કે આને મોટી ખેંચ આવી રહી છે ત્યારે તે મેગ્નેટ તેના છાતીના ભાગે સ્વાઇપ કરાય છે જેથી તેમાં કરન્ટ જનરેટ થાય છે. જેના કારણે તેને મોટી ખેંચ આવતી અટકી જાય છે. તેને આ એક વધારાનો ફાયદો છે. પહેલા જેટલી દવા નથી લેવી પડતી
‘આ ઓપરેશન કર્યા પછી પણ તેની દવાઓ તો ચાલુ રાખવી જ પડે છે પણ પહેલાં 4-5 ચાલતી હોય તો તેનાથી અડધી થઇ જાય છે અને દવાઓની સાઇડ ઇફેક્ટથી પણ તેને બચાવી શકાય છે. આ ઓપરેશનનો વધુમાં વધું ખર્ચ 15 લાખ રૂપિયા જેટલો થતો હોય છે. યોગ્ય સમયે ડોક્ટર કે નિષ્ણાતને બતાવવાથી વધારે નુકસાન થતાં બચાવી શકાય.’ ગુજરાતમાં પ્રથમ વખત થયેલી આ સફળ VNS સર્જરીએ મેડિકલ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે.
‘પહેલા આને દૈવીય શક્તિ માનતા’:6 વર્ષની બાળકીને દિવસમાં 200 વખત ખેંચ આવતી, છાતીમાં નાનકડું જનરેટર મૂકાયું, ગુજરાતમાં પહેલીવાર થયું આવું ઓપરેશન
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
