16મીની રાત્રે અહીં થઈ હતી દારુ પાર્ટી, લઠ્ઠાકાંડથી ખરકડીમાં સન્નાટો:એક યુવાનનું મોત, 4 સારવાર હેઠળ; સરપંચ બોલ્યા- 'યુવાનો આ સ્થિતિ જોઈને સમજી જાય તો સારું'

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગરના ઘોઘા તાલુકાનું ખરકડી ગામ. 1500ની વસતી ધરાવતું ગામ હાલ અહીં સર્જાયેલા લઠ્ઠાકાંડના કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.ગામના યુવાન ઉપેન્દ્રસિંહ ગોહિલને પોલીસમાં નોકરી મળતા મિત્રો સાથે ગામમાં દારૂની પાર્ટી ગોઠવી. 16મીની રાત્રે પાર્ટી કરતા પાંચેય મિત્રોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા. જ્યાં ઉપેન્દ્રસિંહનું મોત નિપજ્યું જ્યારે બાકીના ચાર હાલ સારવાર હેઠળ છે. દિવ્ય ભાસ્કરે ખરકડી ગામની મુલાકાત લઈ ગામલોકો અને સરપંચ સાથે વાત કરી. જે સ્થળ પર યુવાનોએ પાર્ટી કરી ત્યાં પણ ભાસ્કર પહોંચ્યું. લઠ્ઠાકાંડના કારણે બે શંકાસ્પદ સહિત કુલ 7 લોકોના મોત નિપજી ચૂક્યા છે. દાખલ રહેલા 18 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોય મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. 1500ની વસતી ધરાવતા નાના એવા ખરકડીમાં સન્નાટો છવાયો
ભાવનગરથી 22 કિમી દૂર આવેલા ખરકડી ગામે અમે પહોંચ્યા. સૌ પ્રથમ ગ્રામ પંચાયત કચેરી પર ગામના સરપંચ વિપુલભાઈ વાઘેલા સાથે મુલાકાત થઈ. લઠ્ઠાકાંડના કારણે ગામના એક યુવાનનું મોત અને ચાર સારવાર હેઠળ હોય સન્નાટો જોવા મળ્યો. લોકોમાં એક જ ચર્ચા જોવા મળી કે સરકાર આ દારૂ બંધ કરાવે. સરપંચ વિપુલ વાઘેલાએ કહ્યું- દારૂ પીવાના કારણે અમારા ગામમાં આ ઘટના બની. દારૂમાં કયું કેમિકલ છે અને દારૂ ક્યાંથી આવ્યો તેની ખબર નથી. ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું છે અન્ય યુવાનો સારવાર હેઠળ છે. પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરી બંધ કરાવે. ખરકડીની બાજુમાં જ આવેલા ખાંટડી ગામના સરપંચ સનુભા ગોહિલે કહ્યું કે, આ ઘટનાના કારણે ગામમાં માહોલ ગમગીન થઈ ગયો છે. જે કોઈ લોકોએ દારૂ પીધો હોય તે લોકો શરમ રાખ્યા વગર દવાખાને જાય અને રિપોર્ટ કરાવી લે. ગામના આગેવાન પદુભાઈએ જણાવ્યું કે, એકમાત્ર દીકરા ગુમાવનાર પરિવાર પર શું વિતતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ પ્રકારના દૂષણ અને ઝેરી વસ્તુઓનું વેચાણ બંધ થવું જોઈએ. ખરકડીના યુવાનોએ જ્યાં પાર્ટી કરી ત્યાં ‘ભાસ્કર’ પહોંચ્યું
ગામમાં સરપંચ અને લોકો સાથે મુલાકાત કર્યા બાદ અમે સીધા જ ગામથી અડધો કિમી દૂર આવેલી ગૌચરની એ જગ્યા પર પહોંચ્યા જ્યાં ઉપેન્દ્રસિંહ ગોહિલને પોલીસમાં નોકરી મળતા તેમના મિત્રોને દારૂની પાર્ટી આપવામાં આવી હતી. ઘટનાસ્થળ પર પોલીસ પંચનામું કરી ગઈ હોય ખાલી બોટલ કબજે કરી લીધી હતી. પરંતુ, ઘટનાસ્થળે પાર્ટી માટે લેવામાં આવેલું બાઈટીંગનું એક પેકેટ જોવા મળ્યું. બે શંકાસ્પદ સહિત 7ના મોત, 21 સામે ફરિયાદ ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી એક શંકાસ્પદ સહિત 5ના મોત થયા છે. ભાવનગર કલેકટરે જણાવ્યું કે,કુલ 22 લોકોને અસર થઈ છે. તેમાંથી 18 સારવાર હેઠળ છે અને બાકી 4ના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિતનું શંકાસ્પદ મોત થયું છે. જે સારવાર હેઠળ છે તે 18માંથી 2ની હાલત ગંભીર અને 4 ICUમાં છે, 2 વેન્ટિલેટર પર છે અને 10 લોકો એવા છે જે સ્ટેબલ છે. અમે અપીલ કરીએ છીએ કે છેલ્લા 2-4 દિવસમાં જેણે આ પ્રકારની રોયલ સ્ટેગ બ્રાન્ડનું સેવન કર્યું છે. તેને લક્ષણો હોય કે ન હોય તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. જેમાં 15 પેટી જપ્ત કરાઈ અને બાકીની 13 પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસે અલગ અલગ 15 ટીમો બનાવી બુટલેગર, સપ્લાયર સહિતના 13 વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતીયો હોવાનું જાણવા મળતા પોલીસે તેને ડિટેઇન કરવા અંગે તજવીજ હાથ ધરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *