પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના બહુચર્ચિત MBBS પરીક્ષા ઉત્તરવહી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પાટણ બી ડિવિઝન પોલીસે રાજદીપ નાનજીભાઈ કોડિયાતર (ઉં.વ. 27, રહે. નાની મારડ, ધોરાજી, રાજકોટ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રાજદીપ કોડિયાતરના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પાટણના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે આરોપીને બે દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો હતો. આ કૌભાંડમાં અગાઉ MBBSના એક સિનિયર વિદ્યાર્થી અને મુખ્ય સૂત્રધાર, વ્યવસાયે તબીબ ચૌધરી કનુભાઈ તેજાભાઈ (રહે. અલ્હાબાદ, તા. રાધનપુર)ની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હજુ પરિમલ અરવિંદ પટેલ, પાર્થ મહેશ્વરી, દિવ્ય પટેલ અને ઉદય ઓઝા સહિતના આરોપીઓને પકડવાના બાકી છે. પોલીસે રિમાન્ડ માટે રજૂઆત કરી હતી કે પકડાયેલા આરોપી રાજદીપ કોડિયાતર પાસેથી નવી ઉત્તરવહીઓ ક્યાં લખવામાં આવી હતી, તે હાલ ક્યાં છે, કોની મદદથી લખાઈ હતી અને આરોપીએ કોઈને આર્થિક લાભ આપ્યો છે કે કેમ, તે અંગે તપાસ કરવાની બાકી છે. આ સહિતના મહત્વના મુદ્દાઓ રજૂ કરીને પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને રિમાન્ડ મંજૂર કર્યા હતા. શું હતો સમગ્ર ઉત્તરવહી કૌભાંડનો મામલો? પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, MBBSના પ્રથમ વર્ષમાં નાપાસ થયેલા ત્રણ વિદ્યાર્થીની અસલ ઉત્તરવહીઓ ગાયબ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ પરીક્ષા ખંડ સિવાય અન્ય સ્થળે નવી ઉત્તરવહીઓ લખી, ખોટી રીતે ગુણ વધારી તેમજ બોગસ રી-એસેસમેન્ટ કાર્ડ ઊભા કરી નાપાસ વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં આરોપીઓએ યુનિવર્સીટી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી પોતાના અંગત આર્થિક ફાયદા માટે બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી ગંભીર ગુનો આચર્યો હતો
પાટણ યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ: વધુ એક આરોપી ઝડપાયો:રાજદીપ કોડિયાતરની ધરપકડ, કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
