જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી:સ્ટ્રીટ ફોટોવોક, ધ્વજારોહણ અને ફોટોગ્રાફરોનું સન્માન કરાયું

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે જામનગર ફોટોગ્રાફર્સ એસોસિયેશન દ્વારા બુધવારે જામનગરમાં ફોટોગ્રાફીને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ ઓપન જામનગર સ્ટ્રીટ ફોટોવોક યોજાયો હતો. એસોસિયેશનના ફોટોગ્રાફરોએ દરબારગઢથી ફોટોવોકની શરૂઆત કરી સુભાષ શાક માર્કેટ, સજુબા ગર્લ્સ સ્કૂલ, ચાંદી બજાર, માંડવી ટાવર અને બર્ધન ચોક સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. ફોટોગ્રાફરોએ જામનગરની ઐતિહાસિક ધરોહર, બજારો, જૂની ઇમારતો, રસ્તાઓ, લોકો, સંસ્કૃતિ તેમજ શહેરના રોજિંદા જીવનની વિવિધ સુંદર અને જીવંત ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. સ્ટ્રીટ ફોટોવોક બાદ જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફોટોગ્રાફીના ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ત્રણ ફોટોગ્રાફરોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ફોટોગ્રાફીના ક્ષેત્રે લાંબા સમયથી યોગદાન આપનાર અન્ય વરિષ્ઠ ફોટોગ્રાફરને બુકે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર ફોટોગ્રાફર્સ એસોસિયેશનના સભ્યોએ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણીને માત્ર એક દિવસીય કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રાખી. તેમણે ફોટોગ્રાફીના માધ્યમથી શહેરની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ, લોકો અને રોજિંદા જીવનને દસ્તાવેજીકૃત કરવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ અનોખી ઉજવણી દ્વારા જામનગરના ફોટોગ્રાફરોએ સમાજને સંદેશ આપ્યો કે ફોટોગ્રાફી માત્ર તસવીર લેવાની કળા નથી, પરંતુ સમય, સંસ્કૃતિ અને સમાજની યાદોને સાચવી રાખવાનું શક્તિશાળી માધ્યમ છે. જામનગર ફોટોગ્રાફર્સ એસોસિયેશનની આ પહેલને ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો તેમજ શહેરના ફોટોગ્રાફીપ્રેમીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *