સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા:લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 પર ફોન કર્યો

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો સ્થાનિકોની સમયસૂચકતાને કારણે ફસાઈ ગયા હતા. બહારથી દુકાન લોક થઈ જતાં અને લોકોના ટોળાનો ડર લાગતા, તસ્કરોએ પોતે જ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, 19 ઓગસ્ટની મોડી રાત્રે આશરે 3:00 વાગ્યે સંજાણ બજારમાં આવેલા ‘બી.જે. જ્વેલર્સ’ શોરૂમને બે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તેઓએ ઇલેક્ટ્રિક કટર વડે શટરના નકુચા કાપીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. કટરના અવાજથી આસપાસના પડોશીઓ જાગી ગયા હતા. એક સ્થાનિક યુવાને તુરંત જ્વેલર્સના માલિક મનીષ શર્માને ફોન કરીને જાણ કરી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને ચોરો દુકાનની અંદર ઘૂસ્યા કે તરત જ લોકોએ ચાલાકીપૂર્વક શટર બહારથી બંધ કરી દીધું. દુકાનમાં કેદ થયેલા તસ્કરોને બહાર લોકોનું મોટું ટોળું ભેગું થયું હોવાનો ખ્યાલ આવતા, તેમણે બચવા માટે 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માગી. ઘટનાની જાણ થતાં જ નાઈટ પેટ્રોલીંગમાં રહેલી ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શટર ખોલીને તપાસ કરતા અંદરથી બે તસ્કરો મળી આવ્યા હતા. તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર, ચોરી કરવાના સાધનો તેમજ દુકાનમાંથી ચોરેલું સોનાનું લોકેટ, ચાંદીની ચેઈન, પાયલ, સોનાના મણકા અને રોકડા રૂ. 500 સહિત કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉમરગામ પોલીસે સોના-ચાંદીના વેપારી મનીષ શર્માની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *