ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટના વધુ ગંભીર બની રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે કુલ 46 લોકો આ ઝેરી દારૂની ઝપેટમાં આવ્યા છે. હાલમાં 39 જેટલા દર્દીઓ ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.
એસએમસીની ટીમો 4 રાજ્યોમાં પહોંચી
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ ‘SIT’ (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની 8 થી 10 જેટલી અલગ-અલગ ટીમો હાલ મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં દરોડા પાડીને તપાસ ચલાવી રહી છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી અને તેના સાગરીતોએ 25 પેટી નકલી દારૂ બનાવીને સ્થાનિક બુટલેગરોને વેચ્યો હોવાનું સામે આવ્યું છે.
21 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ
પોલીસે આ કેસમાં કાયદાકીય શિકંજો કસતાં 21 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી છે, જેમાંથી 13 થી વધુ બુટલેગરોની અટકાયત કરી લેવામાં આવી છે. SMC ની ટીમ પકડાયેલા આરોપીઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરશે.
ગૌતમના ઘેર ચાર શખ્સોએ નકલી દારુ બનાવ્યો
પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા રઈસ, નરેન્દ્રસિંહ યાદવ (ઉર્ફે ડોક્ટર) અને જુબેર નામના શખ્સોએ ભેગા મળીને આ બોગસ દારૂ બનાવ્યો હતો. આ માટેનું રો-મટીરીયલ, મિથેનોલ, ખાલી બોટલો અને ઢાંકણા અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના ‘ડોક્ટરે’ ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો
