જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ‘હર ઘર ભગવા’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જન્માષ્ટમી પૂર્વે શહેરને ભક્તિમય વાતાવરણમાં રંગવાનો છે. શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતેથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના હસ્તે ભગવા ધ્વજ વિતરણ કરીને આ અભિયાનનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ૫ હજારથી વધુ ભગવા ધ્વજ તૈયાર કરવામાં આવ્યા છે. આ ધ્વજ દરેક ઘર અને વ્યવસાયિક સંસ્થાનો પર લગાવીને જન્માષ્ટમી પહેલા ધર્મપ્રેમીઓને જોડવાનું આયોજન છે. અભિયાનના શુભારંભ પ્રસંગે આચાર્ય કૃષ્ણમણિજી મહારાજે જણાવ્યું હતું કે, જામનગરમાં દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે સાર્વજનિક શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે 20મી જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં જામનગરની તમામ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક મંડળો, જ્ઞાતિ સમાજો અને અગ્રણીઓ એકસૂત્ર થઈને જોડાશે. આગામી ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આચાર્યએ જામનગર શહેરના તમામ નાગરિકો, ગ્રામ્ય વિસ્તારના ધર્મપ્રેમીઓ અને સમસ્ત દેશવાસીઓને આહ્વાન કર્યું હતું કે, જેમને પોતાના ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય, તેઓ પોતાના ઘર, દુકાન કે પ્રતિષ્ઠાન પર ભગવો ધ્વજ અવશ્ય લહેરાવે. ‘હર ઘર ભગવા’ અભિયાનના શુભારંભ સાથે જ જામનગરના વિવિધ વિસ્તારોમાં ભગવા ધ્વજનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ જન્માષ્ટમી પૂર્વે સમગ્ર જામનગર શહેરને ભગવામય બનાવી સનાતની એકતાનો સંદેશ આપવાનો છે. શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ દ્વારા શહેરના તમામ ધર્મપ્રેમીઓને પોતાના ઘરો પર ભગવો ધ્વજ લહેરાવી આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા અને ૪ સપ્ટેમ્બરે યોજાનાર ૨૦મી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જામનગરમાં 'હર ઘર ભગવા' અભિયાનનો પ્રારંભ:ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા પૂર્વે 5 હજાર ધ્વજ વિતરણ કરાશે
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
