સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિનપ્રતિદિન બેકાબૂ બની રહ્યો છે, ત્યારે પુણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણાની રાજ રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પર મોડી રાત્રે એક હિંસક શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને ગાર્ડના હાથની આંગળી પર એ હદે બચકું ભર્યું હતું કે આંગળીનો હિસ્સો કરડી ખાધો હતો. આ સમગ્ર લોહીયાળ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. રાત્રિના સમયે અચાનક તૂટી પડ્યો શ્વાન
મળતી માહિતી મુજબ, રાજ રેસિડેન્સીમાં જયપ્રકાશ વાસુદેવ શાહુ નામના સિક્યુરિટી ગાર્ડ રાબેતા મુજબ બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન સોસાયટીના ગેટ પાસે ફરજ પર હાજર હતા. મોડી રાતના સુમારે સોસાયટી કેમ્પસમાં અચાનક ઘૂસી આવેલા એક શ્વાને જયપ્રકાશભાઈ પર હુમલો કરી દીધો હતો. ગાર્ડ કંઈ સમજે કે પોતાનો બચાવ કરે તે પહેલાં જ શ્વાને તેમના હાથ પર હિંસક રીતે હુમલો કર્યો હતો અને આંગળી પર ગંભીર બચકું ભરીને આંગળી કરડી ખાધી હતી. હુમલાના લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ
આ ભયાનક હુમલાની સમગ્ર ઘટના સોસાયટી પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે શાંત વાતાવરણ વચ્ચે અચાનક શ્વાન ધસી આવે છે અને ગાર્ડ પર અચાનક તૂટી પડે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સોસાયટીના રહીશોમાં પણ કંપારી છૂટી ગઈ છે. ગાર્ડને હોસ્પિટલ ખસેડાયા, રહીશોમાં પાલિકા સામે રોષ
હુમલા બાદ ગાર્ડની બૂમાબૂમ સાંભળીને સોસાયટીના રહીશો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. જયપ્રકાશભાઈને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્ર તાત્કાલિક આવા હિંસક શ્વાનોને પકડવાની કડક કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકોની માંગ છે.
સિક્યુરિટી ગાર્ડ પર રખડતા શ્વાને હુમલો કર્યો, CCTV:હાથની આંગળી પર બચકું ભરતા ગંભીર ઈજાગ્રસ્ત, પુણા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકથી રહીશોમાં ફફડાટ
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
