અમદાવાદના દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય કચેરી કમ્પાઉન્ડમાં એજન્ટ તરીકે કામ કરતા પિતા-પુત્રએ અન્ય એજન્ટ પાસે કામ કરવા બદલ ખર્ચા પેટે રૂપિયાની માંગણી કરી હુમલો કર્યો હતો. રૂપિયા આપવાની ના પાડતાં તેમણે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઈજાગ્રસ્ત એજન્ટે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હપ્તો ન આપતાં લોખંડના કડા વડે હુમલો
વેજલપુર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય સલીમભાઈ લંઘા AMC કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે. ગત 19 ઓગસ્ટે તેઓ ગેટ નંબર 2 પાસે ચાની કેન્ટીન નજીક બેઠા હતા, ત્યારે ત્યાં કામ કરતા એજન્ટ યાસીન શેખ અને તેનો પુત્ર અનિક શેખ આવ્યા હતા. બંનેએ સલીમભાઈ પાસે આક્ષેપ સાથે માંગણી કરી હતી કે, “AMCમાં એજન્ટ તરીકે કામ કરવું હોય તો અમને અને અમારા દીકરાને ખર્ચા પેટે રૂપિયા આપવા પડશે, નહિતર કામ કરવા દઈશું નહીં.” સલીમભાઈએ રૂપિયા આપવાની ના પાડતાં પિતા-પુત્રએ તેમની સાથે મારામારી કરી માથાના ભાગે લોખંડનું કડું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. મારી નાખવાની ધમકી અને પોલીસ ફરિયાદ
સલીમભાઈની બૂમાબૂમ સાંભળીને તેમના ભાઈ અને આસપાસના લોકો દોડી આવતાં તેઓ બચ્યા હતા. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ “ફરીથી અહીં દેખાઈશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત સલીમભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની ફરિયાદના આધારે કારંજ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'પૈસા નહીં આપે તો કામ નહીં કરવા દઈએ':AMC ઓફિસમાં એજન્ટ પાસે રૂપિયાની માંગણી કરી પિતા-પુત્રનો હુમલો
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
