Surendranagar News: લીંબડીના જાંબુ ગામેથી SOGએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપ્યો

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લામાં અસલી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસની ખાસ ઝુંબેશ અંતર્ગત એસઓજી (SOG) ટીમે લીંબડી તાલુકાના જાંબુ ગામે સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગામમાં કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત વિના ક્લિનિક ખોલીને એલોપેથી સારવાર આપતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

સ્થળ પરથી રૂ.16,388નો મુદ્દામાલ જપ્ત

એસઓજી પોલીસની ટીમે સ્થળ પર સઘન તપાસ હાથ ધરતાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિવિધ નામાંકિત કંપનીઓની એલોપેથી દવાઓ, એન્ટીબાયોટીક્સ અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.16,388ની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને સાધન-સામગ્રી કબ્જે કરી હતી. ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતા આ ગેરકાયદેસર ક્લિનિકને પોલીસે તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું હતું.

પાણશીણા પોલીસ મથકે ગુનો દાખલ

પોલીસે બોગસ ડોક્ટરની અટકાયત કરીને તેની વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધાવ્યો છે. કાયદેસરની એફઆઈઆર દાખલ કર્યા બાદ પાણશીણા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને ક્યાંથી એલોપેથી દવાઓ મેળવતો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *