સુરત મેડિકલ કોલેજમાં ચર્ચાસસ્પદ બનેલા રેગિંગ પ્રકરણમાં તંત્ર દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડો. સુમૈયા મુલ્લાને રેગિંગની ગંભીર ઘટના અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ પત્ર જાહેર કરીને શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે, જેને પગલે મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્શન
જાહેર કરાયેલા આદેશ મુજબ પ્રોફેસર સામે ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-1971ના સરેઆમ ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત અને અપીલના કડક નિયમો હેઠળ તેમને 90 દિવસના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જવાબદાર હોદ્દા પર હોવા છતાં વિદ્યાર્થીઓ સાથે બનતી રેગિંગની ઘટના પ્રત્યે દુર્લક્ષ સેવવા અને તેને રોકવામાં નિષ્ફળ જવા બદલ વિભાગે આ આકરું વલણ અપનાવ્યું છે.
સસ્પેન્શન સમય દરમિયાન કરાઈ બદલી
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સસ્પેન્શનના આ 90 દિવસના સમયગાળા દરમિયાન ડો. સુમૈયા મુલ્લાનું હેડક્વાર્ટર વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે. એટલે કે સસ્પેન્શન દરમિયાન તેમની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયથી અન્ય જવાબદાર અધિકારીઓ અને કોલેજ પ્રશાસનમાં પણ કડક સંદેશ ગયો છે.
