સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 સુરતની કડવી વાસ્તવિકતા:સલાબતપુરામાં ગંદકીથી ત્રસ્ત જનતાનો ફૂટ્યો જ્વાળામુખી, ચાર રસ્તા પર કચરો ઠાલવી પાલિકા તંત્રને ઘૂંટણિયે પાડ્યું

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં ડંકો વગાડતા સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાંથી પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વાસફોડા પુલ નજીક લાંબા સમયથી ખડકાયેલા કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધથી કંટાળેલા સ્થાનિક રહીશોએ માજી કોર્પોરેટર અસદ કલ્યાણીની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે રહીશોએ કચરો સીધો ચાર રસ્તા વચ્ચે ઠાલવીને ચક્કાજામ કરી દીધો હતો. પીવાના પાણીમાં લીકેજ અને મચ્છરોનો ઉપદ્રવ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જે સ્થળે કચરાના ખડકલા થાય છે ત્યાં જ પીવાના પાણીની લાઈનમાં લીકેજ છે. સતત વહેતા પાણી અને કચરાના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. રહીશોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી કચરો ઉપાડવા દેવામાં આવશે નહીં. પંપિંગ સ્ટેશનની પાછળ જ ગંદકી છતાં તંત્ર નિષ્ક્રિય
આશ્ચર્યની વાત એ છે કે જે સ્થળે ગંદકીનું સામ્રાજ્ય છે તેની બરાબર પાછળ જ સુરત મહાનગરપાલિકાનું પંપિંગ સ્ટેશન આવેલું છે, જ્યાંથી પાલિકાના વાહનોની સતત અવરજવર રહે છે. રસ્તા પર કચરો નાખી ચક્કાજામ કરાયાની જાણ થતાં જ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રહીશોને સમજાવી તાત્કાલિક કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરાવી હતી. રહીશોએ આ કચરાપોઈન્ટનો કાયમી નિકાલ લાવવાની આકરા શબ્દોમાં માંગ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *