દર વર્ષે 20 ઓગસ્ટે ‘વિશ્વ મચ્છર દિવસ’ ઉજવવામાં આવે છે, જે આપણને યાદ અપાવે છે કે મચ્છરોથી બચવું માત્ર આરામ માટે જ નહીં, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગોનો ભય પણ વધી જાય છે. જો તમે પણ મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા છો અને કુદરતી કે ઘરેલુ ઉપાયોથી તેમને ભગાડવા માંગતા હો, તો આ સરળ પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
શરીર પર શું લગાવવું?
જો તમને કે તમારા બાળકોને વારંવાર મચ્છર કરડતા હોય, તો નાળિયેર તેલમાં થોડું લીમડાનું તેલ ભેળવીને ત્વચા પર લગાવી શકાય છે. આ એક ઉત્તમ નેચરલ રિપેલન્ટ છે. આ ઉપરાંત, તમે બજારમાં મળતા DEET, પિકારીડિન અથવા લીંબુ નીલગિરી તેલ (OLE) યુક્ત લોશન કે સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ લગાવવાથી મચ્છરો આસપાસ પણ ફરકતા નથી.
ઘરમાંથી મચ્છર ભગાડવાના ઝડપી ઉપાયો
ઘરમાં અચાનક મચ્છરો વધી જાય ત્યારે સૌથી પહેલા પંખો ફૂલ સ્પીડમાં ચાલુ કરી દેવો જોઈએ, કારણ કે તેઝ પવનમાં મચ્છરો ઉડી શકતા નથી. આ સાથે જ ઘરમાં કે આસપાસ કૂલર, ડોલ કે વાસણોમાં ભરાયેલું પાણી તરત ખાલી કરી દેવું જોઈએ, કારણ કે પાણીનું જમા થવું એ મચ્છરોના પ્રજનનનું મુખ્ય કારણ છે. રાત્રે બારી-દરવાજા બંધ રાખવા અને સાંજના સમયે મચ્છરદાની કે જાળીનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ઘરે જ બનાવો મચ્છર ભગાડનાર સ્પ્રે
તમે ઘરે જ નેચરલ મચ્છર ભગાડનાર સ્પ્રે બનાવી શકો છો. એક સ્પ્રે બોટલમાં પાણી લો, તેમાં લીમડાના તેલના થોડા ટીપાં અને થોડો લિક્વિડ સોપ (પ્રવાહી સાબુ) ઉમેરો. સાબુ તેલને પાણીમાં ભળવામાં મદદ કરશે. ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ જરૂર કરી લો.
એરોસોલ સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકાય
મચ્છરોથી કાયમી રક્ષણ મેળવવા માટે ઇલેક્ટ્રિક વેપોરાઇઝર્સ, મચ્છર કોઇલ અથવા એરોસોલ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ઘરમાં વેન્ટિલેશન પૂરતું રાખો. ઘરની આસપાસ ચોખાઈ રાખવી એ જ મચ્છરોથી બચવાનો સૌથી મોટો ઉપાય છે.
આ પણ વાંચોઃ Dark circles : માત્ર આ એક વસ્તુ અને ચૂટકીમાં ગાયબ થશે ડાર્ક સર્કલ, આજે જ અપનાવો
