અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી પર આચરવામાં આવેલા બળાત્કારની ગંભીર ઘટના બાદ તમામ સિક્યુરિટી એજન્સીઓ અને તેમાં ફરજ બજાવતા ગાર્ડ્સનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વિવિધ મિલકતોમાં સિક્યુરિટી પૂરી પાડતી એજન્સીઓના ગાર્ડ્સનું વેરિફિકેશન કરવાનું હતું, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટીમાં સતત બીજી બેઠકમાં આ ગંભીર મુદ્દે સવાલ પૂછવામાં આવતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને સિક્યુરિટી વિભાગના અધિકારીઓ સ્પષ્ટ આંકડા આપી શક્યા નહોતા, જેના કારણે પાલિકામાં ચાલી રહેલી પોલંપોલ ખુલ્લી પડી ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 7 દિવસમાં પૂર્ણ રિપોર્ટ માંગ્યો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોમાં એજન્સીઓ દ્વારા તૈનાત કરાયેલા કેટલા ગાર્ડ્સનું વેરિફિકેશન પૂર્ણ થયું છે અને કેટલાનું બાકી છે તે અંગે વિગતો માંગવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા માત્ર અમુક જ ઝોન અને એજન્સીઓના અધૂરા આંકડા રજૂ કરાતાં તેમને તમામ એજન્સીઓની સંપૂર્ણ માહિતી સાથે આવવા તાકીદ કરવામાં આવી છે. ચેરમેને કડક આદેશ આપતાં આગામી 7 દિવસમાં તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું વેરિફિકેશન પૂરું કરી સમગ્ર વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 14 એજન્સીઓના 2,968 ગાર્ડ્સમાંથી મોટાભાગના પોલીસ વેરિફિકેશન વગર ફરજ પર
મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓ મારફતે આશરે 2,968 ગાર્ડમેન, સાદા ગાર્ડ અને સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. નિયમ મુજબ કોઈપણ ગાર્ડની નિમણૂક કરતાં પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. આમ છતાં તાજેતરમાં ટેન્ડર મેળવનારી એજન્સીઓ ઉપરાંત જૂની એજન્સીઓના ગાર્ડ્સનું પણ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી અને તેઓ કોઈપણ જાતની તપાસ વગર નોકરી કરી રહ્યા છે. અધિકારીઓ દ્વારા બચાવનો પ્રયાસ, સુરક્ષા સામે મોટો ખતરો
કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સિક્યુરિટી વિભાગના અધિકારીઓ આ ગંભીર બેદરકારી સામે સતત એજન્સીઓનો બચાવ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અગાઉ પણ સૂચના અપાઈ હોવા છતાં વેરિફિકેશનની કામગીરી પૂરી કરવામાં આવી નથી કે નિયમભંગ કરનાર એક પણ એજન્સીના ગાર્ડને છૂટો કરવામાં આવ્યો નથી. તંત્રની આવી ઘોર બેદરકારી વચ્ચે જો AMC ની મિલકતોમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેની સીધી જવાબદારી તંત્ર અને શાસકોની રહેશે તેવો ગણગણાટ શરૂ થયો છે.
આનંદનગર રેપ કેસ બાદ પણ AMC તંત્ર ન જાગ્યું:2,968 સિક્યુરિટી ગાર્ડ્સમાંથી મોટાભાગના વેરિફિકેશન વગર તૈનાત, સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને ખખડાવી આપ્યું અલ્ટીમેટમ
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
