હિંમતનગરમાં ગુરુવારે સાબરકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી સુરતના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુ કેસમાં ન્યાયની માંગ કરવામાં આવી હતી. આ માર્ચમાં સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે લોકો એકઠા થયા હતા. અહીં મીણબત્તીઓ પ્રગટાવી ડો. હર્ષ પંડ્યાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત લોકોએ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ડો. હર્ષ પંડ્યાના અવસાનની ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને તેમના પરિવારને ન્યાય મળે તે જરૂરી છે. ગુજરાતભરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવા કાર્યક્રમો યોજીને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. કેન્ડલ માર્ચના અંતે, સૌએ સર્કલ ખાતે મીણબત્તીઓ મૂકી ડો. હર્ષ પંડ્યાને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હિંમતનગરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ:ડો. હર્ષ પંડ્યાના મૃત્યુ કેસમાં ન્યાયની માંગ સાથે શ્રદ્ધાંજલિ
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
