ગાંધીનગર મનપાની સામાન્ય સભા મિનિટોમાં સમેટાઈ:સંકલનની બેઠક બાદ કમિશનરની ભલામણો પર સભ્યોની મૌન સંમતિ સાથે કરોડોના પ્રસ્તાવ મંજૂર, આરોગ્ય-વિકાસના કામોને લીલીઝંડી

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ ટર્મની અંતિમ સામાન્ય સભા માત્ર ગણતરીની મિનિટોમાં જ સમેટાઈ ગઈ હતી. સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે યોજાયેલી સંકલન બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સભામાં રજૂ કરાયેલા તમામ 11 વિષય પર કોઈ પણ વિરોધ કે ચર્ચા વગર સર્વાનુમતે બહાલી આપી દેવામાં આવી હતી. મિલકતવેરા શાખામાં સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ લાગૂ કરાશે
આજની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી મહત્વની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત મહાનગરપાલિકાની મિલકતવેરા શાખામાં પારદર્શિતા અને સરળતા લાવવા માટે સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ (સ્વ-આકારણી નીતિ) લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂર કરાયો છે. આ ઉપરાંત શહેરમાં ડેવલપમેન્ટ અને અન્ય કામચલાઉ જરૂરિયાતો માટે હંગામી પાણી જોડાણ નીતિ અને તેના માટેનું નિયત ફોર્મ પણ સભા દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. 5 અર્બન હેલ્થ સેન્ટરમાં ફિઝિયોથેરાપીની સેવા મળશે
ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27માં એડવાન્સ મિલકતવેરો ભરનાર કરદાતાઓ માટે 10% વળતરની સમયમર્યાદા તા. 31 જુલાઈ 2026 સુધી વધારવાની કમિશનરની ભલામણ પણ ગ્રાહ્ય રાખવામાં આવી હતી.જ્યારે ગાંધીનગરના 60 વર્ષથી વધુ વયના વડીલો માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી માત્ર 2 આરોગ્ય કેન્દ્રો ખાતે મળતી ફીઝીયોથેરાપી અને ડેન્ટલની સેવાઓનો વ્યાપ વધારીને હવે અન્ય 5 અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. અર્બન હેલ્થ સેન્ટરોમાં સાધનો માટેની ગ્રાંટ મંજૂર
આ સુવિધા માટે વર્ષ 2026-27ના બજેટમાં 27 લાખનું વધારાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સાથોસાથ અર્બન હેલ્થ સેન્ટરો માટે જરૂરી સાધનો અને દવાઓની ખરીદી અર્થે મંજૂર થયેલ ₹ 200 લાખની ગ્રાન્ટમાંથી ₹ 75 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત શહેરી માળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે સિવીલ ઇજનેર શાખા હસ્તકના કામો માટે ફાળવેલ ગ્રાન્ટમાં મોટો વધારો કરાયો છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના પગાર ધોરણનો પ્રસ્તાવ પાસ
જેમાં એક પ્રસ્તાવ હેઠળ ₹ 6110 લાખ અને અન્ય પ્રસ્તાવ હેઠળ ₹ 1500 લાખની ગ્રાન્ટ રિવાઈઝ કરવાની કમિશનરની ભલામણને સભાએ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરના પેરીફેરી વિસ્તારોના ગામોમાં પાયાની સુવિધાઓ તેમજ શહેરી પછાત વિસ્તારોમાં પદાધિકારીઓ અને સભાસદો દ્વારા સૂચવાયા મુજબના માળખાકીય વિકાસકામો કરવા માટે પણ મંજુરીની મહોર મારવામાં આવી છે. પાલિકાના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવા ICT ઓફિસર કલાસ 2ના ભરતી-બઢતીના નિયમો અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર કલાસ 3 સંવર્ગના પગાર ધોરણ અંગેના પ્રસ્તાવો મંજૂર કરાયા છે. વધુમાં વર્ગ-1 અને 2ના અધિકારીઓ જો અજમાયશી કે કાયમી સમયગાળા દરમિયાન રાજીનામું આપે તો તેમની પાસેથી બોન્ડની રકમ અને તાલીમ ખર્ચ વસૂલવા અંગેની નવી નીતિના અમલીકરણને પણ સામાન્ય સભાએ મંજૂરી આપી દીધી છે.અંતમાં સભાના એજન્ડા પર રહેલા તમામ વિષયોને માત્ર ગણતરીની મિનિટોમાં જ મંજૂરી મળી જતાં મેયર મીરાબેન પટેલે સભાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ જાહેર કરીને આ ટર્મની આખરી સામાન્ય સભા આટોપી લીધી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *