ગાંધીનગરના પોશ ગણાતા સરગાસણ વિસ્તારમાં આવેલી મારુતિ ગ્રીન સોસાયટીમાં મૂળ રાજસ્થાનના 23 વર્ષીય વેપારી યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ છે. પાન-મસાલાના હોલસેલ વેપારમાં થયેલા મોટા આર્થિક નુકસાન અને માનસિક તણાવના કારણે યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં પંખા સાથે સાડી બાંધીને આ આત્યંતિક પગલું ભર્યું હતું. જીવનલીલા સંકેલતા પહેલાં યુવકે પિતાના મોબાઈલ પર રાજસ્થાની ભાષામાં માફી માંગતો હૃદયદ્રાવક મેસેજ મોકલ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પરિવાર સાથે રહેતો વેપારી યુવક અને ઘરે બનેલી ઘટના
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરગાસણની મારુતિ ગ્રીન સોસાયટીમાં રહેતો 23 વર્ષીય ભરત રોશનલાલ મારવાડી પાન-મસાલાના હોલસેલ વેપાર સાથે સંકળાયેલો હતો. તે અહીં પોતાના માતા લીલાબેન, પિતા રોશનલાલ અને પત્ની સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો, જ્યારે તેની પત્ની છેલ્લા 2 મહિનાથી રાજસ્થાન સ્થિત પોતાના પિયરમાં ગઈ હતી. બનાવના દિવસે પિતા રોશનલાલ કામ અર્થે બહાર ગયા હતા અને ઘરે માત્ર ભરત તેમજ તેની માતા લીલાબેન જ હાજર હતાં. પિતાના મોબાઈલ પર આખરી મેસેજ આવતાં જ દોડધામ મચી
બહાર ગયેલા પિતા રોશનલાલના મોબાઈલ પર અચાનક પુત્ર ભરતનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં રાજસ્થાની ભાષામાં લખ્યું હતું કે, “મેરી ભૂલ હો ગઈ હૈ, યો કદમ મેં મેરી મરજી સે લે રહ્યા હું.” આ આઘાતજનક મેસેજ વાંચતાં જ પિતાના હોશ ઊડી ગયા હતા. તેમણે તાત્કાલિક ઘરે ફોન કરીને પત્ની લીલાબેનને ભરતના રૂમમાં તપાસ કરવા જણાવ્યું હતું. માતાએ રૂમનો દરવાજો સતત ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈ અવાજ ન આવતાં ચિંતા વધી ગઈ હતી. દરવાજો ખોલતા જ પુત્ર લટકતી હાલતમાં મળ્યો
સ્થિતિની ગંભીરતા જોઈને પિતા રોશનલાલ પણ તાબડતોડ ઘરે દોડી આવ્યા હતા. તેમણે આસપાસમાંથી સીડી મેળવીને કોઈ રીતે રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. 23 વર્ષીય પુત્ર બેડરૂમના પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. પુત્રને આ હાલતમાં જોઈ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. ધંધામાં આર્થિક સંકટ બન્યું આપઘાતનું કારણ
ઘટનાની જાણ થતાં જ ઇન્ફોસિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પંચનામું કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભરત છેલ્લા કેટલાક સમયથી ધંધામાં થયેલા ભારે આર્થિક નુકસાનના કારણે ભારે ડિપ્રેશનમાં હતો. છેલ્લા 15 દિવસથી તે અત્યંત બેચેન રહેતો હતો અને પોતાનો મોબાઈલ ફોન પણ મોટાભાગે સ્વીચ ઑફ રાખતો હતો. આર્થિક સંકટનો સામનો ન કરી શકતાં આખરે તેણે મોતને વહાલું કર્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
સરગાસણમાં પાન મસાલાના 23 વર્ષીય વેપારીનો આપઘાત:ધંધામાં નુકસાન જતાં પિતાને મેસેજ મોકલી બેડરૂમના પંખે સાડી બાંધી જીવન ટૂંકાવ્યું
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
