સુરતના ખટોદરા વિસ્તારમાં ઈ-કોમર્સ અને ટેક્સટાઇલનો બિઝનેસ કરતી કંપની સાથે તેના જ બે કર્મચારીઓએ મળીને 15.57 કરોડની જંગી છેતરપિંડી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. કંપનીના અધિકૃત પ્રતિનિધિ હિરેનભાઈ અશોકભાઈ કપાસિયાવાલા (ઉં.વ. 55)ની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ફેશન ડિઝાઇનર તોરલ ચિરાગ બારોટ અને તેના પતિ ચિરાગ બારોટ સામે વિશ્વાસઘાત અને ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. B2B બિઝનેસમાં નફાની લાલચ આપી ખરીદ-વેચાણની કમાન સંભાળી
ફરિયાદ અનુસાર, બંને આરોપીઓ 3 ઓગસ્ટ 2024થી કંપનીમાં ફરજ બજાવતા હતા. તોરલ ફેશન ડિઝાઇનર તરીકે અને ચિરાગ સેલ્સનું કામ સંભાળતો હતો. બંનેએ કંપની સંચાલકોને જૂના સંપર્કો દ્વારા મોટો B2B બિઝનેસ વધારી સારો નફો અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી કંપનીએ તેમને ખરીદ-વેચાણની જવાબદારી સોંપી હતી. જોકે, 21 ફેબ્રુઆરીથી 2 જુલાઈ 2026 દરમિયાન બંનેએ ચલણ બનાવી કંપનીમાંથી 10.62 કરોડનો માલ ઉપાડ્યો હતો પણ કંપનીમાં કોઈ રકમ જમા કરાવી નહોતી. બોગસ ચલણ અને બહારના વેપારીઓ પાસેથી 4.94 કરોડનો માલ ઉપાડ્યો
આંતરિક તપાસમાં ખુલાસો થયો કે ચલણ પર દર્શાવેલી પાર્ટીઓએ માલ મેળવવાનો કે આરોપીઓને ઓળખવાનો સાફ ઇનકાર કર્યો હતો, જેનાથી બોગસ ચલણનો ખેલ સામે આવ્યો. આ ઉપરાંત દંપતીએ કંપનીના નામે માર્કેટના અન્ય વેપારીઓ પાસેથી ₹4.94 કરોડનો માલ ખરીદી બારોબાર વેચી દીધો હતો અને તેના નાણાં પણ ચૂકવ્યા નહોતા. આમ, કંપનીનો સ્ટોક અને બજારમાંથી ઉઠાવેલો માલ મળીને કુલ ₹15.57 કરોડની ગેરરીતિ આચરવામાં આવી હતી. ફેક બેંક સ્લિપ, UPI સ્ક્રીનશોટ અને બાઉન્સ ચેક આપીને છેતરપિંડી
આરોપીઓએ ચૂકવણીના નામે ₹86.56 લાખ, ₹2.80 કરોડ, ₹25 લાખ અને ₹50 લાખ જેવી રકમના નકલી બેંક ડિપોઝિટ સ્લિપ અને UPI/UTR સ્ક્રીનશોટ કંપનીને મોકલ્યા હતા પરંતુ, એકપણ રૂપિયો ખાતામાં જમા થયો નહોતો. એટલું જ નહીં, આરોપીઓએ વિવિધ પાર્ટીઓના નવ ચેક આપ્યા હતા, જેમાંથી ત્રણ ચેક ફંડના અભાવે બાઉન્સ થયા હતા. માર્કેટના વેપારીઓને ચૂકવવા માટે પોતાના અંગત ખાતામાંથી ₹3.92 કરોડના ચેક પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે.
ડિઝાઇનર પત્ની અને સેલ્સમેન પતિની ઠગાઈ:15.57 કરોડનું કાપડ ઓળવી ગયા, ખટોદરા પોલીસ મથકે ગુનો દાખલ, ફેક UPI સ્ક્રીનશોટ-બાઉન્સ ચેક આપી ખેલ પાડ્યો
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
