કેજરીવાલ અને ચૈતર વસાવા વચ્ચે જેલમાં શું વાત થઈ:2027ની ચૂંટણી પહેલાં AAPની બંધ બાજી, બાપુ બોલ્યા- ચૈતરને લાંબી સજા એ ભાજપનું કાવતરું

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા બે મહિનાથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. તેમના પર વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાનો કેસ ચાલે છે. 24 ઓગસ્ટે હાઈકોર્ટમાં ફાયનલ હીયરીંગ થાય તે પહેલાં AAPના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવાને મળવા વડોદરા જેલમાં પહોંચ્યા હતા. આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં શું રંધાઈ રહ્યું છે, કેજરીવાલે તાબડતોબ કેમ આવવું પડ્યું? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : ચૈતર વસાવા જેલમાં કેમ છે? જવાબ : 30 ઓક્ટોબર, 2023નો દિવસ હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના બોગજ ગામે વનવિભાગની જમીન પર કેટલાક ખેડૂતો ખેતી કરી રહ્યા હતા. અચાનક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ પહોંચી. એ લોકોએ વનવિભાગની જમીનમાં ઊભેલો પાક દૂર કરી દબાણો હટાવ્યા. ખેડૂતો સામે ગુનો દાખલ કરી દીધો. આ વાત પહોંચી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે. તેમણે વનવિભાગના સ્ટાફને પોતાના ઘરે મળવા બોલાવ્યા. વાતચીતમાં જ વાત વણસી. ચૈતર વસાવા, તેની પત્ની શકુંતલાબેન અને તેની સાથેના કેટલાક માણસો ઉશ્કેરાઈ ગયા. વન વિભાગના સ્ટાફને ધોલધપાટ કરી. ડર ઊભો કરવા ચૈતર વસાવાએ પોતાની ગનમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ બધી વિગતો વનવિભાગે નોંધાવેલી FIRમાં છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે ચૈતર વસાવા અને તેના સાથીઓએ ફોરેસ્ટના સ્ટાફ પાસે 60 હજાર રૂપિયાની માગણી કરી હતી. ATMમાંથી રકમ ન નીકળી એટલે ફોરેસ્ટના ઓફિસરે ચૈતર વસાવા અને સાથીને બે વખત 30 હજાર મળીને 60 હજાર ટ્રાન્સફર કર્યા. આ પુરાવો મહત્વનો બની રહ્યો. પછી તો કોર્ટમાં કેસ ચાલ્યો. 17 સાક્ષીઓની તપાસ થઈ. રાજ્ય સરકારે કેસની કાર્યવાહી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની નિમણૂક કરી. આરોપીઓ વતી સીનિયર એડવોકેટ સુરેશચંદ્ર. કે. જોશી કેસ લડ્યા. રાજપીપળા સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.વી. હીરપરાએ ચૈતર સહિત નવને દોષિત ઠેરવી સાત વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો. અત્યારે બાકીના આરોપીઓ જામીન પર છુટી ગયા છે પણ ચૈતર વસાવા વડોદરા જેલમાં છે. જેલમાં મળવા માટે આમઆદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 18 ઓગસ્ટે પહોંચ્યા હતા. સવાલ-2 : કેજરીવાલ ચૈતર વસાવાને મળવા જેલમાં કેમ પહોંચ્યા? જવાબ : આમાં બે તર્ક છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા મનોજ સોરઠીયા કહે છે, બીજો તર્ક ખોટો છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડવાના નથી. એટલે તેમને મનાવવાનો પ્રશ્ન નથી. જો તેમણે પાર્ટી છોડવી હોત તો બહુ પહેલાં જ છોડી દીધી હોત. બીજું એ કે કેજરીવાલ ગુજરાત આવવાના હતા એટલે તેમને એમ હતું કે જેલમાં જઈને ચૈતર વસાવાને મળું. જેથી તેમનું મનોબળ વધે. જેલમાં ચૈતરભાઈ સાથે કેવું વર્તન થાય છે તે જોવા અને તેમના પરિવારને આશ્વાસન આપવા આવ્યા હતા. ચૈતરભાઈનો જેલવાસ લંબાયા કરે છે એટલે મળવું જરૂરી બન્યું. આદિવાસી બેલ્ટમાં પાર્ટીની મૂવમેન્ટ અને ગુજરાતની સ્ટ્રેટેજી ગોઠવવા માટે પણ મળવું જરૂરી હતું. ઓક્ટોબર 2012થી આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ ત્યારથી મનોજ સોરઠિયા પાર્ટીની સાથે છે. ગુજરાતમાં સુરતનું સુકાન તે સંભાળે છે. મનોજભાઈ કહે છે, સરકાર ચૈતરભાઈનું ધારાસભ્ય પદ રદ્દ કરતી નથી. એટલે સરકારને જ સમજાતું નથી કે આ વ્યક્તિને લઈને હવે શું કરવું? સરકાર જાણે છે કે જો ચૈતર વસાવાનું ધારાસભ્યપદ રદ્દ કરીશું તો ડેડિયાપાડામાં વચગાળાની ચૂંટણી આવશે ને તેમાં આમ આદમી પાર્ટી જીતશે. આદિવાસી સમાજનો ભરોસો ચૈતર વસાવા સાથે જોડાયેલો છે. જેલની મુલાકાત દરમિયાન ચૈતર વસાવાએ અરવિંદ કેજરીવાલને કહ્યું, હું સમાજની અને ગુજરાતના અધિકારની લડાઈ લડું છું. હું આ લડાઈ મજબૂતીથી લડીશ. મારા બાપા પાસે કે મારી પાસે ક્યાં રજવાડું હતું!! મને આદિવાસી સમાજનો પ્રેમ મળ્યો છે ને તેને હું સો ટકા ન્યાય આપીશ. તો વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે કે ચૈતર AAPમાં એવું મોટું માથું છે. તે બીજીવાર ચૂંટાવાની પૂરી શક્યતા છે. આમ આદમી પાર્ટી પાસે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયા મજબૂત નેતા છે. ચૈતર વસાવા માટે કેસ લડવા કેજરીવાલે દિલ્હીથી ચાર-પાંચ વકીલો ગુજરાત મોકલ્યા છે. અત્યારે ચૈતર વસાવાને નબળા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો ચૈતર પાર્ટી બદલી નાખે તો વાત પતી જાય તેમ છે પણ ચૈતર મક્કમ છે. એ પાર્ટી બદલે તેવું લાગતું નથી. કૌશિકભાઈએ કહ્યું કે, માની લો કે ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા તો એ જેલમાંથી ચૂંટણી લડી શકે. પણ તેમાં ફેર પડી જાય. લોકોની વચ્ચે જઈને ચૂંટણી લડવી ને જેલમાંથી લડવી એમાં ફેર છે. સત્યેન્દ્ર જૈનનો જ દાખલો લઈ લો. તેમને ફરીવાર જેલમાં ધકેલી દીધા. આમ આદમી પાર્ટી જરાપણ ઢીલું મૂકે તો પાર્ટીના અસ્તિત્વનો સવાલ આવી જાય. એટલે આમ આદમી પાર્ટીએ હવે બમણા જોરે લડવું પડશે. ચૈતર વસાવાને જેલ થઈ ત્યારે આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે 23 જૂન, 2026ના દિવસે વીડિયો રિલિઝ કર્યો હતો. એ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી સમાજના બહુ મોટા નેતા છે. તે સમયાંતરે આદિવાસી સમાજ માટે સંઘર્ષ કરતા રહે છે. આદિવાસી સમાજ માટે મુદ્દો ઉપાડતા રહે છે. તે ત્યાંથી આમ આદમી પાર્ટીના MLA છે. તે આદિવાસી સમાજ માટે ત્રણ-ત્રણ ચાર-ચાર મહિના માટે જેલ જઈ ચૂક્યા છે. આદિવાસીઓના પૈસાની ચોરી ED પાર્ટી (ભાજપ) કરે છે તેની સામે અવાજ ઉઠાવ્યો છે.આદિવાસીઓની જમીન છીનવાઈ જાય છે તેની સામે અવાજ ઉઠાવ્યો છે. મનરેગામાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી. હું ED પાર્ટી (ભાજપ)ને ચેતવણી આપવા માગું છું કે લોકશાહીમાં આ રીતે ગુંડાગર્દી ચાલતી નથી. જનતાનું જ ચાલે છે. ચૈતર વસાવાને જેટલી દબાવાની કોશિશ કરશો, તે એટલો વધારે મોટો નેતા થઈને ઉભરશે. આવનારા સમયમાં જોજો, કેવી રીતે ભાજપને લોકો ગુજરાતમાંથી ભગાડે છે…. કેજરીવાલના શબ્દો હતા કે, ચૈતરને જેટલો દબાવશો તેટલો મજબૂત નેતા થઈને ઊભરી આવશે. આ શબ્દોમાં ધાર છે. કારણ કે સરકાર હજી સુધી ચૈતરનું ધારાસભ્યપદ રદ્દ કરી શકી નથી. સવાલ-3 : સરકારે ચૈતર વસાવાનું ધારાસભ્યપદ હજુ કેમ રદ કર્યું નથી? જવાબ : કાયદો એવો છે કે 2 વર્ષ કે તેથી વધુ સજા પામેલા જનપ્રતિનિધિનું સભ્યપદ રદ્દ થઈ શકે છે, એટલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાય તેવું જોખમ ઊભું થયું છે. કોર્ટના આદેશની નકલ વિધાનસભા અધ્યક્ષને મોકલવામાં આવી છે. હવે સભ્યપદ બચાવવા માટે તેમની પાસે હાઈકોર્ટમાંથી સજા કે દોષસિદ્ધિ પર સ્ટે મેળવવો અનિવાર્ય છે. 24 ઓગસ્ટ, સોમવારે ફાયનલ હીયરીંગમાં એ પણ ખબર પડી જશે. એક કારણ એ પણ છે કે ચૈતર વસાવા સાથે આદિવાસી સમાજની સહાનુભૂતિ છે. માનો કે ચૈતરના બદલે તેમનાં પત્ની શકુંતલાબેનને AAP ટિકિટ આપે તો તે જીતી જાય. આ અંગે દિવ્ય ભાસ્કરે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનો ટેલિફોનિક સંપર્ક કર્યો. પૂર્ણેશ મોદીએ કહ્યું કે, કોઈ ધારાસભ્યને 2 વર્ષની સજા થાય તો ધારાસભ્યપદ રદ થાય એવો કાયદો છે. આ કાયદા પર પ્રોસેસ થાય ને તેમાં વાર લાગે. આટલી વાતચીત પછી ફોન કટ થઈ ગયો. ભાસ્કરે ફરીથી પૂર્ણેશ મોદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન ઉપડ્યો નહીં. ટૂંકમાં, સરકાર પાસે જ આ વાતનો જવાબ નથી કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ્દ કેમ થયું નથી. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ચૈતર આદિવાસી ધારાસભ્ય છે. ક્યારેક એવું બન્યું હોય કે અધિકારીઓ ગાંઠતા ન હોય એટલે કડક ભાષા વાપરી હોય. પણ કોઈ ધારાસભ્ય પર પ્લાનિંગ સાથે નીચલી કોર્ટનો આશરો લઈને 7 વર્ષની સજા કરાવવી એ સરકારનું કાવતરું છે. ધારાસભ્ય ચૈતર હાઈકોર્ટમાં ગયા છે ને મને લાગે છે કે તેને જામીન મળી જશે. બાકી ચૈતરને જેલમાં મોકલવાનું ભાજપનું ત્રાગું છે. સવાલ-4 : ચૈતર વસાવાને જામીન મળશે તો શું બીજા કેસમાં ફીટ થઈ જશે? જવાબ : હા. ચૈતર વસાવાને હાઈકોર્ટ જામીન આપી દે તો પણ તેની સામે બે કેસ એવા છે જેમાં સજા થઈ શકે. તે કેસ આગળ ચાલશે. મતલબ, 2027ની ચૂંટણી સુધી ચૈતર વસાવા કોર્ટ અને જેલ વચ્ચે દોડાદોડી કર્યા રાખે તેવો પ્લાન છે. 24 ઓગસ્ટે તો હાઈકોર્ટ જે ચૂકાદો આપે તે પણ ચૈતર વસાવા સામે વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાનો ગુનો સિવાયના બે કેસ ચાલે છે. સવાલ-5 : આદિવાસી બેલ્ટમાં ભાજપ બેકફૂટ પર કેમ? જવાબ : આદિવાસી વોટબેન્ક વર્ષોથી કોંગ્રેસ પાસે રહી છે. ભાજપના પ્રયાસો રહ્યા છે કે આદિવાસી મતદારો પોતાના તરફ થઈ જાય. આની ધીમેધીમે શરૂઆત થઈ રહી હતી પણ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીએ ફાચર પાડ્યું. આદિવાસીઓ કોંગ્રેસ તરફી છે ને હવે થોડા મતદારો આમ આદમી પાર્ટી તરફ સરકવા લાગ્યા. એનો તાજો દાખલો એપ્રિલ-2026માં આવેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે. આદિવાસી પ્રભુત્વવાળા નર્મદા જિલ્લાની જ વાત કરીએ. નર્મદા જિલ્લા પંચાયત ભાજપ પાસે હતી તે આ વખતે આમ આદમી પાર્ટીએ છીનવી લીધી. 22માંથી 15 સીટ જીતી. નર્મદા જિલ્લાની ચાર તાલુકા પંચાયતો ડેડિયાપાડા, સાગબારા, ગડેશ્વર અને ચિકદામાં AAPનું શાસન આવી ગયું. એટલે આદિવાસી વિસ્તારમાં ભાજપ બેકફૂટ પર છે. 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે તે પહેલાં ભાજપ આદિવાસી બેલ્ટમાં ડેમેજ કંટ્રોલ કરવા મથે છે. – પણ નર્મદા જિલ્લામાં બીજી બે ઘટના એવી બની જે ભાજપ માટે ગળાંનું હાડકું બની ગઈ છે. આદિવાસી વોટબન્કની વાત કરીએ તો ડાંગથી અંબાજી ને અંબાજીથી ઉમરપાડા સુધીના આદિવાસી બેલ્ટમાં વિધાનસભાની 46 સીટ એવી છે જેના પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ 46માંથી 27 સીટ આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. એક સરકારી એજન્સીનો રિપોર્ટ એવો છે કે જો વિધાનસભાની ચૂંટણી થાય તો આદિવાસી અનામતવાળી 27 સીટમાંથી 14-15 સીટ આમ આદમી પાર્ટીને જાય. એટલે આદિવાસી વિસ્તાર સરકાર માટે ચિંતાનો વિષય ખરો. આ જ ચિંતાના કારણે આ વખતે પહેલીવાર આંચકારૂપ બાબત બની. થયું એવું કે ગુજરાત સરકારે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી નથી. ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષથી સેલિબ્રેશન કરે છે પણ આ વખતે આદિવાસીઓ માટે કોઈ આયોજન કર્યું નહીં. તેનાથી આગળ, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પોતે આદિવાસી સમાજમાંથી આવે છે. છતાં તેમણે એક ટ્વિટ કર્યું નહીં. ન તો વડાપ્રધાન મોદીએ, ન ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું. ટૂંકમાં, ભાજપ સરકારે હવે આદિવાસી સમાજની અવગણના કરવાનું શરૂ કરી દીધું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *