મારામારીના ગુનામાં 5 સગીર સહિત 9 આરોપી ઝડપાયા:ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કર્યો, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી, પોલીસ સ્ટેશનમાં કાન પકડીને ઉઠક બેઠક કરાવી

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ મારામારી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેને પગલે અટલાદરા પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં 5 સગીર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને
પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પાસે કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી અને આરોપીઓએ માફી માંગી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ ખાતે રહેતો 32 વર્ષીય યુવક પોતાની બહેનના ઘરનો સામાન વડોદરા શહેરના ખિસકોલી સર્કલ વિસ્તારમાં આવેલા ગુલાબી વુડાના મકાનમાં શિફ્ટ કરવા માટે વડોદરા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ત્યાં રોકાયા હતા. તા.19 ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં તેઓ ગુલાબી વુડાના મકાનના નાકા પાસે આવેલી દુકાનમાં ગુટખાની પડીકી લેવા ગયા હતા. યુવકે ગુટખાની પડીકી લીધા બાદ દુકાનદારને 500 રૂપિયાની નોટ આપતા દુકાનદારે છૂટા પૈસા લાવવાનું કહી તેની સાથે બોલાચાલી કરી ગાળો બોલી હતી. યુવકે ગાળો નહીં બોલવાનું કહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ દુકાનદાર સહિત અન્ય 3 વ્યક્તિઓએ યુવક સાથે ઝપાઝપી કરી મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન દુકાનદાર તરીકે ઓળખાતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારીએ પાઇપ વડે યુવકના મોઢા અને આંખ ઉપરના ભાગે તેમજ પીઠ અને જમણા પગના ભાગે માર માર્યો હતો. હુમલામાં યુવકને ઇજાઓ થતાં તે ચક્કર ખાઈને નીચે પડી ગયો હતો. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સ્થાનિક સાક્ષીઓ તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે આ ગુનામાં પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશપ્રસાદ કેસરી (ઉં.વ.25), સંદિપ રણછોડભાઈ વાઘેલા (ઉં.વ.20), સચિન મહેન્દ્ર જાદવ (ઉં.વ.18) અને અનિકેત લક્ષ્મીપ્રસાદ કેસરી (ઉં.વ.18)ને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 5 સગીરોને પણ શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *