Surat : ઘરનું સપનું કે ભાડાનો ધંધો? PM આવાસના મકાનોમાં 175 ભાડૂતો મળતાં તંત્ર ચોંક્યું

📅 Published: August 21, 2026 | 📂 Category: Surat

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભાડે ચઢાવી આર્થિક લાભ મેળવવાનો ખેલ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજિત 2,500થી વધુ આવાસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 175 જેટલા મકાનોમાં ભાડૂતો રહેતા હોવાનું સામે આવ્યું છે.

કેટલાક લોકો ભાડાની આવક મેળવવા માટે ઉપયોગ 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રહેવા માટે ફાળવવામાં આવેલા મકાનોનો કેટલાક લોકો ભાડાની આવક મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવેલા આંકડાઓએ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા કર્યા છે.

મોટાભાગના મકાનોમાં તાળા

ચેકિંગ દરમિયાન મોટાભાગના મકાનોમાં તાળા લાગેલા પણ જોવા મળ્યા હતા. હવે આવા તાળા લાગેલા મકાનોનું ફરીથી ચેકિંગ કરવામાં આવશે. જો પુનઃતપાસ દરમિયાન મકાનમાં ભાડૂતો રહેતા હોવાનું અથવા લાભાર્થી દ્વારા મકાનનો ગેરરીતે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ભાડૂતો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા

ભાડૂતો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના આધારે મૂળ મકાન માલિકો અને લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નિયમોનો ભંગ થયો હોવાનું સાબિત થશે તો લાભાર્થીને ફાળવવામાં આવેલ આવાસ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

ગેરરીતિના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ શક્યતા

આ ઉપરાંત ગંભીર ગેરરીતિના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસ સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

કેટલાક લાભાર્થીઓ આવકનું સાધન બનાવે છે

ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘર મળે તે હેતુથી ફાળવાયેલા આવાસોને કેટલાક લાભાર્થીઓ આવકનું સાધન બનાવી રહ્યા હોવાનો મુદ્દો સામે આવતા હવે સવાલ એ છે કે તપાસ બાદ માત્ર નોટિસ સુધી કાર્યવાહી સીમિત રહેશે કે પછી ખરેખર આવાસ રદ કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે?  

 આ પણ વાંચો   :    Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ…..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *