વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે અક્ષરચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર કામગીરી દરમિયાન હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ લાગતા GIDC ફાયરને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ ઓવર હીટિંગના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. વાહન ચાલક અને અન્ય વ્યક્તિનો બચાવ
આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વાહન આગની ઝપેટમાં આવી ગઈ હતી. મશીનમાં હાઇડ્રોલિક ઓઈલના કારણે આગ વધુ અને ઝડપી ફેલાઈ હતી. જો કે ડ્રાઇવર અને તેમની સાથે રહેલી અન્ય વ્યક્તિ સમયસૂચકતા દાખવી સુરક્ષિત રીતે વાહનમાંથી નીચે ઉતરી જતાં બંનેનો બચાવ થયો હતો. આગના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી
જે બાદ ડ્રાઈવરે તાત્કાલિક પોલીસ અને ફાયરને જાણ કરી હતી. આગ અંગેનો કોલ મળતાની સાથે જ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની GIDCની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. જો કે આગના કારણે થોડાક સમય માટે રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી. દરમિયાન સ્વીપર મશીનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાયરિંગ કે અન્ય કારણથી મશીનમાં આગ લાગી હશે
આ અંગે સુપરવાઈઝર રિન્કુ શર્મા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ખાનગી એજન્સીનું રોડ સ્વીપિંગ મશીન છે. જે કામગીરી શરૂ કર્યાના અડધો કલાકમાં જ આગ લાગી હતી. આ મશીનમાં બે એન્જિન હોય છે અને હાઇડ્રોલિક ઓઈલ ભરેલું હોય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વાયરિંગ કે અન્ય કારણ હોઈ શકે છે.
ચાલુ કામગીરી સમયે હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ:અક્ષરચોકથી અટલાદરા જતા બ્રિજ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, ચાલક સહિત બે વ્યક્તિનો બચાવ
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
