કચ્છમાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો:18 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, વાસી ગ્રેવી સહિતના જથ્થો નાશ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

કચ્છ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી કરી છે. રાજ્યવ્યાપી ખાદ્ય સુરક્ષા ઝુંબેશના ભાગરૂપે, કચ્છની 18 હોટલ અને રેસ્ટોરન્ટમાં અચાનક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન નિયમોના ભંગ બદલ ૯ પેઢીઓને સુધારણા માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ.એમ. પટેલ અને વી.એમ. બારંડાની ટીમે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા, સંગ્રહ પદ્ધતિઓ, FSSAI લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન, માનવ આરોગ્ય માટે અયોગ્ય ખાદ્ય સામગ્રી મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી. નાશ કરાયેલા જથ્થામાં આશરે 30 કિલો ફેટ સ્પ્રેડ (બટર તરીકે વપરાતો), 8 કિલો વાસી પનીર અને કૃત્રિમ રંગનો ઉપયોગ કરાયેલી 40 કિલો જૂની ગ્રેવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે 500 ગ્રામ કૃત્રિમ ફૂડ કલર, પાઉંભાજી માટે વપરાતા 6 ડઝન અનબ્રાન્ડેડ પાવ અને પેકિંગ તથા જરૂરી વિગતો વિનાના બ્રેડના પેકેટ્સ પણ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી વિભાગે હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને ખાદ્ય સામગ્રીની ખરીદીથી લઈને રસોઈ અને પીરસવા સુધી સ્વચ્છતા તથા સલામતીના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. લેબલ અને વિગતો વગરની સામગ્રીનો ઉપયોગ ટાળવા તેમજ રસોડાની સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ કચ્છમાં આવી તપાસ વધુ કડક રીતે ચાલુ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *