અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના ફૂડ વિભાગે નકલી અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી આવતા અખાદ્ય જથ્થા અંગે મળેલી બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે દરોડો પાડીને લક્ઝરી બસમાંથી 408 કિલો શંકાસ્પદ ‘લો ફેટ’ પનીરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. રાજસ્થાનના જોધપુર અને પાલીથી લક્ઝરી બસ મારફતે આ પનીર અમદાવાદ લાવવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે સમગ્ર જથ્થો સ્થળ પર જ સીઝ કરીને પનીરના નમૂનાઓ લેબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
અમદાવાદના બે શખ્સો જથ્થો સ્વીકારવા આવ્યા હતા
બાતમીના આધારે ફૂડ વિભાગે જ્યારે બસમાંથી ઉતારવામાં આવતા જથ્થા પર દરોડો પાડ્યો ત્યારે નરોડા અને મણિનગર વિસ્તારના બે વ્યક્તિઓ આ શંકાસ્પદ પનીરનો જથ્થો લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. ફૂડ વિભાગે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શહેરમાં ડેરીઓ અને હોટલ-રેસ્ટોરન્ટોમાં આ પનીર સપ્લાય કરવાનો ખેલ ચાલી રહ્યો હતો.
અસલી પનીરના નામે થતું હતું નકલી પનીરનું વેચાણ
આશ્ચર્યજનક બાબત એ છે કે આ શંકાસ્પદ લો ફેટ પનીર માત્ર 240 રૂપિયા પ્રતિ કિલોના અત્યંત સસ્તા ભાવે પૂરૂં પાડવામાં આવતું હતું. બજાર ભાવ કરતાં અડધા ભાવે મળતા આ પનીરમાં ભેળસેળ અથવા તો તે અખાદ્ય હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. AMC ના ફૂડ વિભાગે સ્પષ્ટતા કરી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ભેળસેળિયાઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકરી ઝુંબેશ ચાલુ રહેશે.
