જામનગર-લાલપુર રોડ પર આવેલા ચેલા ગામ નજીક એલસીબી (LCB) પોલીસે પેસેન્જર વાહનની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેમ્પો ટ્રાવેલર્સમાંથી ₹10.11 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ડ્રાઇવરની ધરપકડ કરી છે. વાહનની સીટ નીચે ગુપ્ત ચોર ખાના બનાવી વિદેશી દારૂની તસ્કરી કરવામાં આવી રહી હતી. એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોરભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચેલા ગામથી આગળ ઐશ્વર્યા ફાર્મ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો ટ્રાવેલર્સ (નંબર: GJ-19-X-5554)ને રોકીને તપાસ કરતા, તેની સીટ નીચે ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 2,065 નંગ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ₹2,06,500ની કિંમતનો દારૂનો જથ્થો, ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ₹8,00,000ની કિંમતનું ટેમ્પો ટ્રાવેલર્સ મળી કુલ ₹10,11,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે દરેડ ગામના 44 વર્ષીય ડ્રાઇવર વિજયસિંહ બહાદુરસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે. ભરતભાઈ ડાંગરના ફરિયાદ રિપોર્ટના આધારે PSI એમ.વી. ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો સેલવાસના નરોલી વિસ્તારમાં રહેતા અમિતભાઈ નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સપ્લાયરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
ચેલા ગામ પાસે ₹10.11 લાખનો દારૂ ઝડપાયો:પેસેન્જર વાહનની આડમાં હેરાફેરીનો પર્દાફાશ, ડ્રાઇવરની ધરપકડ
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
