Surat: હીરા ખરીદી કરોડોનું પેમેન્ટ ન આપનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો પકડાયો

📅 Published: August 21, 2026 | 📂 Category: Surat

સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની આંતરરાષ્ટ્રીય ઠગાઈ આચરતી ગેંગ સામે સુરત પોલીસના ઇકો સેલે મોટી સફળતા મેળવી છે. યુએસએ (USA) ની પ્રખ્યાત ડાયમંડ કંપનીઓના બોગસ ખરીદદાર બનીને સુરતના વેપારીઓ સાથે 5.32 લાખ યુએસ ડોલર (કરોડો રૂપિયા) ના હીરા મંગાવી પેમેન્ટ ન આપવાના ગુનામાં આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનાની ધરપકડ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ઠગાઈ આચરતી ગેંગ 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ હીરા ઉદ્યોગના જાણીતા પ્લેટફોર્મ ‘રેપનેટ’ પરથી સુરતના વેપારીઓ અને વિદેશી કંપનીઓના ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે બોગસ પ્રોફાઈલ બનાવી સુરતના વેપારીઓનો સંપર્ક કરી વિશ્વાસઘાત કરતી હતી. આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો અને તેની ગેંગ વર્ચ્યુઅલ ગેટવે અને વિદેશી નંબરોના વર્ચ્યુઅલ વોટ્સએપ એકાઉન્ટથી વેપારીઓ સાથે ચેટિંગ કરતા હતા. 6 દિવસની અંદર પૂરેપૂરું પેમેન્ટ કરી દેવાની શરતે તેઓ હીરાનો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી લેતા હતા.

 આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનાની ધરપકડ 

જેવા હીરા દુબઈ કે હોંગકોંગ પહોંચી જતા કે તરત જ આરોપીઓ પોતાના વર્ચ્યુઅલ નંબરો, ઈમેલ અને લેપટોપ આઈડી કાયમ માટે બંધ કરી દઈ ગાયબ થઈ જતા હતા.આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 6 સાથીદારોની સુરત ઇકો સેલે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી.નીતિનકુમાર ઉર્ફે કાનો આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર હોવાથી તેણે અન્ય કેટલા વેપારીઓ સાથે ઠગાઈ આચરી છે અને પચાવી પાડેલા હીરા ક્યાં મોકલ્યા છે તે દિશામાં પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: દશામા વ્રતના અંતિમ દિવસે AMC દ્વારા 7 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા, નદી-તળાવોમાં પ્રદૂષણ અટકાવવા આયોજન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *