ભાજપ કોર્પોરેટરના નંબર પ્લેટ વિનાના ટુ વ્હીલરમાં MLA ની સવારી:રાજકોટમાં CP ના જાહેરનામાંનો છડેચોક ભંગ, વીડિયો વાયરલ થતા પોલીસની બેવડી નીતિ સામે લોકોનો આક્રોશ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં તે પ્રકારની ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આ નિયમ માત્ર સામાન્ય લોકો માટે જ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. ભાજપના મહિલા કોર્પોરેટરના નંબર પ્લેટ વિનાના ટુ વ્હીલરમાં બેસી પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ જતા હોય તેવો વીડિયો વાયરલ થતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. શહેરના વોર્ડ નંબર 1 માં ગુરુ રવિદાસ મહારાજની જયંતિ પ્રસંગે કળશ યાત્રા દરમિયાન નીકળેલી બાઇક રેલી દરમિયાનનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં ગઈકાલે 20 ઓગસ્ટના સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિના પાવન અવસર પર કળશયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાઇક રેલી નિકળી હતી. ભારતમાં હવે ભગવો લહેરાય તે ગીત સાથે નિકળેલી આ બાઇક રેલીમાં વોર્ડ નંબર 1 ના ભાજપના કોર્પોરેટર સેજલબેન ચૌધરી નંબર પ્લેટ વિનાનું ટુ વ્હીલર લઈને પહોંચ્યા હતા અને તેમની પાછળ ભાજપના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ બેસીને જતા હોય તેવો વીડિયો સામે આવ્યો. જે બાબતે ડૉ.દર્શિતાબેન શાહે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1 માં ગુરુ રવિદાસ મહારાજની જયંતિ પ્રસંગે હું પગપાળા જતી હતી ત્યારે ત્યાંથી નીકળેલા ભાજપના કાર્યકરે મને કહ્યું કે બેસી જાઓ. જેથી હું તેમની પાછળ બેસી ગઈ હતી પરંતુ તે વાહનમાં પાછળ નંબર પ્લેટ નથી તે મેં જોયું નહોતું. જોકે તે વાહનમાં આગળના ભાગે નંબર પ્લેટ લગાવેલી હતી. આ બાબત તે કાર્યકર્તાના ધ્યાને આવતા તેમને તુરંત જ વાહનમાં નંબર પ્લેટ લગાવી દીધી છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ટ્રાફિકના નિયમોનું લોકોએ પાલન કરવું જોઈએ. ભાજપના કોર્પોરેટર નંબર પ્લેટ વિનાનું ટુ વ્હીલર લઈને જતા હતા તો અહીં સવાલ એ થાય છે કે તે ટુ વ્હીલરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ કઈ રીતે પૂરી આપવામાં આવ્યું? , શું ભાજપના કોર્પોરેટર હતા એટલે તેમને આ પ્રકારની છૂટછાટ મળી હશે? આ બાબતે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરી તુરંત જ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમુખે માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *