ગુજરાતમાં નવા બંદરોનો વિકાસ કરવા માટે અને જહાજોનુ નિર્માણ કરવા માટેની પ્રક્રિયા હવે તેજીથી આગળ વધી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી મોટા રોકારણકારો રોકાણ કરે તે માટે મેરીટાઈમ બોર્ડે પ્રયાસો શરુ કર્યા છે. જેના ભાગરુપે, મુંબઈમાં આવા રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે સરકારે મીટીંગ કરી હતી. જેમાં કેટલાય ઉદ્યોગપતિઓએ આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. દેશ-વિદેશના અગ્રણી રોકાણકારો, પોર્ટ ઓપરેટરો સિહતનાઓએ ભાગ લીધો
વૈશ્વિક મેરિટાઇમ પાવરહાઉસ તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત કરવાના લક્ષ્યાંક સાથે, GMB-ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા મુંબઈની તાજ સેન્ટાક્રુઝ હોટેલ ખાતે “સ્ટેકહોલ્ડર મીટ -પોર્ટ્સ એન્ડ શિપયાર્ડ્સ ડેવલપમેન્ટ ઇન ગુજરાત”ની મીટીંગ યોજાઈ હતી. 2047 સુધીમાં રાજ્યની પોર્ટ કેપેસિટીને 3,000 MMМТРА કે તેથી વધુ સુધી લઈ જવાના દ્રષ્ટિકોણ સાથે આ બેઠકમાં દેશ-વિદેશના અગ્રણી રોકાણકારો, પોર્ટ ઓપરેટરો અને મૅરિટાઇમ ક્ષેત્રના દિગ્ગજોએ ભાગ લીધો હતો. પોરબંદરમાં બનશે ‘મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર’
આ કાર્યક્રમમાં મૅરિટાઇમ સેક્ટરના 200થી વધુ અગ્રણી સ્ટેકહોલ્ડર્સ સાથે 15થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં ઇન્ડોનેશિયા, ઇટાલી અને નોર્વેના કોન્સુલ જનરલ તેમજ સિંગાપોર, દક્ષિણ કોરિયા અને પોર્ટ ઓફ રોટરડેમના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન GMB દ્વારા રાજ્યમાં બંદરોના વ્યાપક વિસ્તરણ અને જહાજ નિર્માણ માટેનો માર્ગ નકશો રજૂ કરાયો હતો. આ તકે ‘એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ’ (EOI) આધારિત રોકાણની તકો રજૂ કરાઈ હતી, જેમાં 6 ગ્રીનફીલ્ડ પોર્ટ ડેવલપ કરવા ઉપરાંત, 4 શિપબિલ્ડિંગ યાર્ડ વિકસાવવાની યોજના, પોરબંદર નજીકના કૂછડી ખાતે પ્રસ્તાવિત ‘મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર’નો સમાવેશ થાય છે. રોકાણકારોને સરકાર તમામ પ્રકારની સુવિધા અને સબસીડી આપશે
મૅરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઈઓ તેમજ સીએમઓમાં ફરજ બજાવતા આઈએએસ અધિકારી ડૉ. અજય કુમારે ગુજરાતની મૅરિટાઇમ ગ્રોથ સ્ટોરી અને ભવિષ્યના વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ગુજરાતમાં રોકાણ કરવા માટેની અપીલ કરી હતી. અહીં રોકાણ કરવા માગતી કંપનીઓને સરકાર તમામ પ્રકારની સુવિધા અને સબસીડી સહીતના લાભો આપશે. જ્યારે, બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ – IAS હરીત શુક્લાએ રાજ્યની નીતિગત સાતત્યતા, રોકાણકારોના વિશ્વાસ અને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર ભાર મૂક્યો હતો. શિપિંગના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથને પણ આ ક્ષેત્રમાં રહેલી શક્યતાઓને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે રોકાણકારો સાથે ઓપન-હાઉસ ઇન્ટરેક્શન અને સીધી B2G (Business-to-Government) બેઠકો યોજાઈ હતી, જ્યાં રોકાણકારોએ યોજનાઓ અંગે તેમના પ્રતિસાદ આપ્યા હતા અને સીધા અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી.
મુંબઈમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડની હાઇ-લેવલ સ્ટેકહોલ્ડર મીટ:નવા બંદરોના વિકાસ-જહાજોના નિર્માણ માટે કરોડોનું રોકાણ કરવા ઉદ્યોગપતિઓ ઉત્સાહીત
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
