Valsad: જિલ્લામાં જલારામ ખમણ હાઉસ સહિત પાંચ હોટલોમાં ગંદકીની ભરમાર, પરવાના સ્થગિત

📅 Published: August 21, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તિથલ રોડ પર સ્થિત જલારામ ખમણ હાઉસ સહિત 08 હોટલ-રેસ્ટોરન્ટના પરવાના સ્થગિત કરી ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે. જ્યારે 03 હોટલને સુધારો કરવા માટે નોટીસ ફટકારાઈ છે.

વલસાડ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યચીજોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલી 18 પેઢીઓમાં હાથ ધરેલી સધન તપાસ દરમ્યાન કેટલીક પેઢીઓમાં ક્ષતિઓ જણાઇ આવતા કાયદા મુજબ કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં જલારામ ખમણ હાઉસ, શોપ નં. 7, મેઘ રચના ટાવર, તિથલરોડ, વલસાડ ખાતે રસ્તોમાં ગંદકી તેમજ કાળું થઇ ગયેલું તેલ વપરાશમાં લેવામાં આવતુ હોવાનું જણાતા પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો હતો. જ્યારે રામદેવ રેસ્ટોરન્ટ (એચપી પેટ્રોલપંપ પાસે, કિલ્લા પારડી) ખાતે રસોડામાં અસ્વચ્છતા તેમજ પાણીનો રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ રજુ કરવામાં ન આવતા પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવાયો હતો. જ્યારે અનિતા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ કોર્નર (રાધિકા રેસીડેન્સી તલાસરી રોડ) ઉંમરગામ ખાતે ગંદકીથી ખદબદતુ રસોડું, વાસી ખોરાક તેમજ જરૂરી રજીસ્ટ્રેશનનો અભાવ જણાતા ધંધો બંધ કરાવવામાં આવ્યો હતો. એ જ રીતે ઉમરગામ ગાંધીવાડીની હોટલ નિત્યાનંદમાં ગંદકી, વાસી ખોરાક તથા ફ્રીઝરમાં ગંદકી સહિતની ક્ષતિઓ જણાતા સ્થગિત કરાયો હતો. વધુમાં ઉમરગાના અરિહંત ગૃહ ઉદ્યોગ (હોટલ નિત્યાનંદની બાજુમાં, ઓરિએન્ટલ કોલોની, ગાંધીવાડી) ખાતે સ્વચ્છતાના ધોરણો વિરૂધ્ધ ઉત્પાદન, ગંદકી અને જરૂરી રજીસ્ટ્રેશનના અભાવે ધંધો બંધ કરાવવામાં આવ્યો છે.

વલસાડ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વળવીએ જણાવ્યું કે, ખાદ્ય ચીજોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી પેઢીઓની તપાસની કામગીરી હજુ પણ ચાલુ જ રહેશે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન નહીં કરનાર પેઢીઓ સામે કાયદા મુજબ વધુ કડકમાં કડક કાર્યવાહી કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *