સવારથી સાંજ સુધી સિલાઈ મશીન ચલાવીને માંડ મહિને ₹15 હજાર કમાતા અને પરિવારનું ગુજરાન ચલાવતા 62 વર્ષીય વૃદ્ધ દરજી રેખરાજ ઠાડા માટે આવકવેરા વિભાગનો એક પરિપત્ર જીવનનો સૌથી મોટો આંચકો બનીને આવ્યો. જે વૃદ્ધે ક્યારેય ગુજરાતની ધરતી પર પગ પણ નથી મૂક્યો, તેમને સુરતની એક બોગસ કંપનીના ડિરેક્ટર દર્શાવી સીધી ₹975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારી દેવાઈ છે. ભેજાબાજોએ ગરીબ દરજીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર ₹2500 કરોડના હવાલા પાડી લીધા. ભાસ્કર રિપોર્ટર હકીકત જાણવા માટે જ્યારે આ બોગસ કંપનીના રજિસ્ટર્ડ સરનામે પહોંચ્યા તો તેને કોઈ ડાયમંડ કંપની નહીં પરંતુ, જરી અને બરફના ગોલાના મશીન રીપેર કરતો સામાન્ય વર્કશોપ દેખાયો. ‘પેઢીઓથી પરિવાર રહે છે, ડાયમંડ કંપનીનું નામ ક્યારેય સાંભળ્યું નથી’
રજિસ્ટર્ડ સરનામે તપાસ કરતાં ત્યાં દીપકભાઈ હસમુખભાઈ ક્લેટવાલાનો પરિવાર રહેતો હોવાનું સામે આવ્યું હતું. મકાનમાલિક દીપકભાઈએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર 1997માં કન્સ્ટ્રક્શન થયા બાદથી અહીં રહે છે અને પિતાના સમયથી ‘શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ’ ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રીપેરિંગ કામ થાય છે. અહીં ક્યારેય કોઈ બેંક કે ઇન્કમટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા નથી. તેઓ રૂપ રજત ડાયમંડ કંપની કે તેની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને ઓળખતા પણ નથી. તપાસમાં વધુ એક કંપનીમાં ડિરેક્ટર તરીકે નામ નીકળ્યું
આ નોટિસ મળ્યા બાદ પરિવારે એક પરિચિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદ લઈને કંપની બાબતોના મંત્રાલયના સત્તાવાર રેકોર્ડ તપાસ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, રેખરાજ માત્ર રૂપ રજત ડાયમંડ જ નહીં, પરંતુ સુરતની જ અન્ય એક કંપની ‘જય બાબેરી ડાયમ પ્રાઇવેટ લિમિટેડ’માં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે. કોઈ ભેજાબાજે તેમના પાનકાર્ડ અને અન્ય ઓળખ પુરાવાઓનો દુરુપયોગ કરીને વર્ષ 2011થી આ બોગસ શેલ કંપનીઓ ઊભી કરી દીધી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. ફિઝિકલ વેરિફિકેશન વગર બોગસ કંપનીનું રજિસ્ટ્રેશન
કંપની બાબતના સત્તાવાર રેકોર્ડ મુજબ આ કંપની 24 માર્ચ, 2011ના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. કંપની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મોટો છબરડો એ રહે છે કે, તેમાં સ્થળ પર જઈને કોઈ ફિઝિકલ વેરિફિકેશન થતું નથી. કોઈપણ ભેજાબાજ વ્યક્તિ અન્ય વ્યક્તિના દસ્તાવેજો, પાન કાર્ડ કે ઓળખકાર્ડ અને બોગસ વીજળી બિલ અથવા નકલી ભાડાકરાર અપલોડ કરીને MCA પોર્ટલ પર શેલ કંપની ઊભી કરી દે છે. આ કેસમાં પણ દરજી રેખરાજના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ખોટા સરનામે આ બોગસ ડાયમંડ કંપની ઊભી કરી દેવાઈ હોવાનું સ્પષ્ટ જણાય છે. ઈ-મેલ મારફતે જવાબ આપ્યો
આવકવેરા વિભાગ દ્વારા મળેલી નોટિસમાં રેખરાજને 20 ઓગસ્ટ સુધીમાં સુરત રૂબરૂ હાજર થઈ ખુલાસો કરવા જણાવાયું હતું, જે સંદર્ભે તેમણે ઈ-મેલ મારફતે પોતાનો લેખિત જવાબ મોકલી આપ્યો છે. આ સાથે તેમણે પોતાના દસ્તાવેજોના દુરુપયોગ અને છેતરપિંડી અંગે પીસાંગન પોલીસ મથકે ફરિયાદ આપી હતી,જ્યાં પોલીસે પરિવાદ દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમણે અજમેર એસપી કચેરી ખાતે એડિશનલ એસપી (રૂરલ) લાલચંદ કાયલ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી, જેના પગલે અધિકારીઓએ યોગ્ય તપાસની ખાતરી આપી પરિવાદ નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કઈ-કઈ કાર્યવાહી થઈ શકે? તે અંગે ટેક્સ નિષ્ણાત સીએ સુરેશ કાબરાની મુલાકાત લઈને તેમની પાસેથી વધુ માહિતી મેળવી હતી. 2500 કરોડના ટ્રાન્ઝેક્શન પર 975 કરોડની ટેક્સ ડિમાન્ડ નીકળી
CAના વિશ્લેષણ મુજબ આ નોટિસ આવકવેરા અધિનિયમની કલમ-179 હેઠળ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બાકી ટેક્સની વસૂલાત ડિરેક્ટરો પાસેથી કરવા માટે આપવામાં આવી છે. આ કેસ અસેસમેન્ટ યર 2013-14 (નાણાકીય વર્ષ 2012-13)નો છે. કંપનીના બેંક એકાઉન્ટમાં અંદાજે 2250થી 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કે બોગસ ટ્રાન્ઝેક્શન ગણીને આકારણી કરવામાં આવી છે, જેમાં અંદાજે 750 કરોડ ટેક્સ અને 225 કરોડ પેનલ્ટી મળીને 975 કરોડ રૂપિયાની ડિમાન્ડ કાઢવામાં આવી છે. નિર્દોષ હોવા છતાં કાયદાકીય પ્રક્રિયા થશે
આ કેસમાં ડાયરેક્ટર સાવ સામાન્ય ગરીબ વર્ગના અને ઝીરો વર્થવાળા હોવા છતાં તે માત્ર મૌખિક રીતે નિર્દોષ હોવાનો દાવો કરીને છૂટી શકતા નથી. ઓળખકાર્ડના દુરુપયોગ બદલ સાયબર ક્રાઈમમાં FIR નોંધાવવી પડશે તેમજ ROC સમક્ષ રજૂઆત કરવી પડશે. જો ડિપાર્ટમેન્ટ તરફથી રાહત ન મળે તો પીડિતે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને સ્ટે મેળવવો પડશે, ત્યારબાદ જ કોર્ટ તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે.
15 હજારની કમાણી ને આઇટીની 975 કરોડની નોટિસ:સુરતની જે કંપનીમાં દરજીને ડાયમંડ ડાયરેક્ટર દર્શાવ્યો ત્યાં ગોલાના મશીનનું રીપેરિંગ વર્કશોપ, તમારી સાથે આવું થાય તો શું કરવું?
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
